ભરૂચ જી.એન.એફ.સી. ટાઉનશીપ ખાતે વિશ્વ યોગ દિનની જિલ્લાકક્ષાની થયેલી ઉજવણી

Published: June 21 2017

આજે ૨૧ મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણી ભરૂચ જી.એન.એફ.સી. ટાઉનશીપ ખાતે ભવ્‍યાતિભવ્‍ય રીતે કરવામાં આવી હતી. વહેલી સવારથી જી.એન.એફ.સી. ખાતે મહાનુભાવો સહિત બાળકો અને પ્રબુધ્‍ધ નાગરિકોએ પ્રવેશ મેળવ્‍યો હતો અને અંદાજે ૧૨૦૦૦ જેટલાં લોકોએ સંગીતના તાલે યોગામાં ભાગ લીધો હતો.

આ વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જી.એન.એફ.સી. ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સહકાર વિભાગના રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલ, પૂર્વ મંત્રીશ્રી ખુમાનસિંહ વાંસીયા, નગરપાલિકાના પ્રમુખશ્રી આર.વી.પટેલ, જિલ્લા આગેવાનશ્રી યોગેશભાઇ પટેલ, જિલ્લા કલેક્‍ટરશ્રી સંદિપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા અગ્રે, જિલ્લા પોલીસ વડાશ્રી સંદિપ સીંગ સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહ્‍યા હતા.

પ્રારંભે સહકાર વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્‍યું હતું કે ભારતની પૌરાણિક પરંપરા યોગને સમગ્ર વિશ્વમાં ધર્મ, સરહદો અને મતભેદોના બાધ વિના આજનો દિવસ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાઇ રહ્‍યો છે. જેનો યશ માનનીય વડા પ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને જાય છે. દુનિયા અને યોગ એ તો ભારતની દેણ છે અને સમગ્ર વિશ્વ આજે યોગ દિવસની ઉજવણી કરી રહયું છે ત્‍યારે છેલ્લા બે વર્ષથી શરૂ થયેલી યોગ પ્રક્રિયા નિરંતર ચાલુ રહે તેવી અપેક્ષા સેવી હતી. તેમણે વ્‍યક્‍તિના સર્વાંગી વિકાસ માટે યોગ અત્‍યંત ઉપયોગી છે તેમ જણાવ્‍યું હતું. જિલ્લાની વહીવટી પાંખને આજના આ સુંદર આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.

યોગની શરૂઆત પૂર્વે માન.વડાપ્રધાનશ્રીનો સંદેશાઓ રજૂ કરવામાં આવ્‍યો હતો અને હળવી કસરત સાથે મહાનુભાવો સહિત અંદાજે ૧૨૦૦૦ જેટલાં લોકોએ સંગીતના તાલે યોગનું નિદર્શન રજૂ ર્ક્‍યુ હતું.

જિલ્લા કલેક્‍ટર શ્રી સંદિપ સાંગલેના માર્ગદર્શન મુજબ સમગ્ર વહીવટી ટીમ ધ્‍વારા ભરૂચ જિલ્લા કક્ષાનો યોગાનો કાર્યક્રમમાં એક અદભૂત અને નયનરમ્‍ય વાતાવરણ જોવા મળ્‍યું હતું. રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલ, જિલ્લા કલેક્‍ટરશ્રી સંદિપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા અગ્રે, જિલ્લા પોલીસ વડાશ્રી સંદિપ સીંગ, આગેવાન પદાધિકારીશ્રી મારૂતિસિંહ અટોદરીયા, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની યુવા ટીમ સહિત અગ્રણી-પદાધિકારીઓ, મહાનુભાવો, અધિકારીઓ, વિવિધ સંસ્‍થાઓના કાર્યકર્તાઓ, જેમાં પતંજલી યોગ, બ્રહ્માકુમારી સંસ્‍થા, આર્ટ ઓફ લીવીંગ સંસ્‍થા સહિત અનેક મંડળો, આશ્રમો, રોટરી કલબ, કલા મંડળો, સખીમંડળો, શૈક્ષણિક સંસ્‍થાઓ, પ્રબુધ્‍ધ નાગરિક, શાળાના વિદ્યાર્થીઓ, યોગપ્રેમીઓએ યોગાના નિદર્શનમાં ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે ભરૂચમાં સ્‍વામી નારાયણ મંદિર પરિસર, જે.પી.આર્ટસ કોલેજ, પ્રજાપતિ બ્રહ્માકુમારી-ઝાડેશ્વર, તપોવન સંસ્‍કૃત પાઠશાળા, ભરૂચ નગરપાલિકાકક્ષાએ માતરીયા તળાવ અને સી.એમ. પાર્ટી પ્‍લોટ, સીવીલ રોડ - ભરૂચ ખાતે યોગાનો કાર્યક્રમ યોજાયો હતો.

ફોટો ગેલેરી