ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે જિલ્લાકક્ષાના સ્‍વાતંત્ર્યપર્વની દબદબાભેર ઉજવણી થઇ

Published: August 15 2017

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે જિલ્લા કક્ષાના ૭૧ માં સ્‍વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્‍યના સહકાર વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપ્‍યા બાદ સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી અવસરે ભારતની આઝાદી માટે અવિરત સંઘર્ષ કરી નામી-અનામી અનેક વિરલાઓએ પોતાની જીંદગી આઝાદીની લડતમાં હોમીને આપણને મહામુલી આઝાદી અપાવી છે. ભારતના તિરંગાની આન-બાન-શાન માટે વંદેમાતરમનો મંત્ર ગુંજતા-ગુંજવતા જીવન હોમી દીધા છે એમના બલિદાનને આપણે એળે જવા દેવાનું નથી તેમ જણાવી સ્‍વતંત્ર્યવીરોને શ્રધ્‍ધાંજલિ અર્પી ભરૂચ જિલ્લાના પ્રજાજનોને સ્‍વાતંત્ર્ય પર્વની શુભેચ્‍છાઓ પાઠવતા જણાવ્‍યું હતું કે, ગુજરાતે વિકાસના તમામ ક્ષેત્રોમાં અનેક સિધ્‍ધિઓ હાંસલ કરી છે. સાથો સાથ સમગ્રતયા વિકાસના તમામ આયામોમાં ભરૂચ જિલ્લાએ નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઔદ્યોગિક વિકાસ સાથે છેવાડાનો માનવી વિકાસથી વંચિત ન રહે તે માટે રાજય સરકારે વિવિધ કદમ ઉઠાવ્‍યા છે. રાજય સરકારની કલ્‍યાણકારી યોજનાઓને અદના માનવી સુધી પહોંચાડવા રાજ્‍ય સરકારે કમરકસી છે. ‘‘ સૌનો સાથ સૌનો વિકાસ '' મંત્રને ચરિતાર્થ કરવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ પણ અથાગ પ્રયત્‍નો કર્યા છે.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, ભૃગુઋષિની તપોભૂમિ એવા ભૃગુતિર્થ તરીકે ઓળખાતા અને પ્રાચીન સમયમાં જે ભૃગુકચ્‍છ તરીકે પ્રખ્‍યાત હતું એવા ભરૂચની જહોજલાલીનો ઉલ્લેખ ગ્રંથોમાં જોવા મળે છે. ભરૂચ જિલ્લાના રત્‍નોસમા કનૈયાલાલ મુનશી, પંડિત ઓમકારનાથ ઠાકોર, છોટુભાઇ પુરાણી, છોટે સરદાર ચંદુલાલ દેસાઇની જન્‍મભૂમિ એવા ભરૂચ જિલ્લાએ પ્રવર્તમાન સમયમાં તમામ ક્ષેત્રોમાં પ્રગતિની હરણફાળ ભરી છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. તથા દહેજ ઔદ્યોગિક વિસ્‍તાર સેઝને કારણે ભરૂચ જિલ્લો સમગ્ર દેશ-વિદેશમાં આગવું સ્‍થાન ધરાવે છે. એશિયાનું સૌથી મોટું કેમિકલ પોર્ટ દહેજ, ખાતર ઉત્‍પાદન ક્ષેત્રે અગ્રેસર એવી જી.એન.એફ.સી. સંસ્‍થાએ જિલ્લાની આગવી ઓળખ છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કૃષિ મહોત્‍સવના સફળ આયોજન થકી ડ્રીપઇરીગેશન, બાગાયત પાકો, વાડી યોજના તથા પ્રગતિશીલ ખેડૂતોના નવીન પ્રયોગોએ કૃષિ ઉત્‍પાદનક્ષેત્રે ભરૂચ જિલ્લાને અગ્રેસર બનાવ્‍યો છે, સાથે જ ઝઘડીયા-વાલીયા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્‍તારોની ગ્રામ્‍ય મહિલાઓ ધ્‍વારા સ્‍વબચત જૂથોની રચના કરી મહિલા જાગૃત્તિ તથા મહિલા વિકાસનું સુંદર ઉદાહરણ પુરૂં પાડયું છે. મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના અન્‍વયે જિલ્લાના મોટા ભાગના ગામડાઓ પાકા રસ્‍તાથી જોડાયા છે. સાથે જ હાંસોટ - અંકલેશ્વર તાલુકાના તમામ ગામો પીવાના શુધ્‍ધ પાણી માટે આર.ઓ. પ્‍લાન્‍ટથી સજ્જ થયેલ છે.

માન. મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વડપણ હેઠળ રાજ્‍ય સરકાર સુશાસનના ચાર આધાર સ્‍થંભો પર ચાલી રહી છે. પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારના ધ્‍યેય સાથે ગુજરાતના વિકાસની ગતિને વધુને વધુ બળવત્તર બનાવવા સક્રિયપણે આગળ વધી રહી છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્‍યું હતું કે, વર્તમાન સરકારે ૩૬૫ દિવસમાં ૪૭૫ થી વધુ નિર્ણય લઇ ગુજરાતને ઓન ફાસ્‍ટ ટ્રેક તરફ આગળ વધારવાનું કાર્ય કરી રહી છે. જેમાં અનેકવિધ કાયદાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ગુજરાતમાં ગૌવંશ હત્‍યાને રોકવા કડક કાયદાનો અમલ, હુક્કાબાર તથા દારૂબંધીનો ચુસ્‍ત અમલ, શિક્ષણ ફી નિયમન જોગવાઇ, વનબંધુઓ માટે પૈસા એક્‍ટનો અમલ, એક વર્ષમાં ૮૦ હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીમાં ભરતી, ટેકાના ભાવથી રૂા.૧૬૦૦ કરોડની મગફળી તથા તુવેરની ખરીદી, ભૂંડના ત્રાસથી પાક બચાવવા કાંટાળી વાડ બનાવવાની યોજના, શાળા-કોલેજમાં અભ્‍યાસ કરતાં ૩.૫૦ લાખ યુવાનોને રૂા.૧૦૦૦/- ની કિંમતે નવું ટેબલેટ, સાત નવી મેડીકલ કોલેજની સ્‍થાપના, રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ધ્‍વારા પાંચ દિવસ સુધી પુરૂ પીડીતો સાથે રહી સહાય માટે અસરકારક કામગીરી કરી છે. પંડિત દિનદયાલ યોજના અન્‍વયે ગરીબો માટે ૪૦ થી ૮૦ ટકા સસ્‍તાદરે ૧૩૦ થી વધુ પંડિત દિનદયાલ જેનરીક સ્‍ટોર, આઠ લાખથી વધુ પરિવારોને ઉજ્જવલા યોજનાનો લાભ, ૧૦૫ ગરીબ કલ્‍યાણ મેળા યોજીને ૧૫ લાદ દરીદ્રનારાયણોને રૂા.૩૮૦૦ કરોડની સહાય, શ્રમિક અન્નપૂર્ણા યોજનાથી શ્રમિકોને રૂા.૧૦ માં પૌષ્‍ટિક ભોજન, સેવાસેતુ કાર્યક્રમમાં ૬૮ લાખ લોકોની રજૂઆતોનું નિરાકરણ થતાં ૯૮ ટકા સિધ્‍ધિ પ્રાપ્‍ત કરી હોવાનું તેમણે જણાવ્‍યું હતું.

મંત્રીશ્રીએ એમ પણ ઉમેર્યું હતું કે, ગુજરાતના પનોતાપુત્ર અને દેશના ગૌરવ એવા વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ભરૂચ જિલ્લા માટે પોતાની લાગણી વ્‍યક્‍ત કરતાં ૭ મી માર્ચ - ૨૦૧૭ ના રોજ નર્મદા નદી પર અમદાવાદ - મુંબઇ નેશનલ હાઇવેને જોડતા કેબલ બ્રિજને જનતાને ચરણે ધર્યો સાથે પી.પી.પી.ના ધોરણે નિર્માણ થનારા ૨૧૪૫૩ ચો.મી.માં તૈયાર થનારા આધુનિક બસ ઇ-પોર્ટનો શિલાન્‍યાસ પણ ર્ક્‍યો. સાથે એશિયાના સૌથી મોટા પ્‍લાન્‍ટ ઓપેલને પણ દહેજ ખાતે દેશને સમર્પિત ર્ક્‍યો. ગુજરાત મેરીટાઇમ બોર્ડ ધ્‍વારા નર્મદા પરિક્રમા વાસીઓ માટે જેટીની સુવિધા ઉભી કરવાથી ૭૦ હજારથી વધુ યાત્રિકોને લાભ મળશે. ભરૂચના નગરજનોને પીવાનું પાણી પુરૂ પાડવા રૂા.૩૦૦૦ કરોડના ખર્ચે ભાડભૂત બેરેજ યોજનાનો પણ ટૂંક સમયમાં કાર્યારંભ કરવામાં આવનાર છે સાથે નર્મદા કિનારે આવેલા મંદિરો, આશ્રમો, ધર્મસ્‍થાનોનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિકાસ કરવામાં આવશે. વિશ્વના સૌથી મોટા લીંક સ્‍થાન ઘાઘા - દહેજ રો-રો ફેરીનું કામ પણ અંતિમ તબક્કામાં છે. જેને કારણે ૬ હજાર દેનિક વાહનોનું ભારણ સ્‍ટટે નેશનલ હાઇવે પર ઓછું થશે. આ પ્રોજેક્‍ટથી ઇંધણ, સમય અને ટ્રાન્‍સ્‍પોર્ટેશનની મોટી બચત થતાં કરોડો રૂપિયાની બચત થવા સાથે ઔદ્યોગિક વિકાસ અને રોજગારીની તકો મોટા પ્રમાણમાં ઉપલબ્‍ધ થશે.

સરકાર ગરીબોની સરકાર છે, વંચિતોની સરકાર છે, છેવાડાના ગામે વસતાં અંતરિયાળ વિસ્‍તારના ગ્રામજનોની સરકાર છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્‍યું હતું કે, બનાસકાંઠા-પાટણના ગામડાઓમાં અતિવૃષ્‍ટ્રિથી થયેલી તારાજીનું ચાલુ વરસાદે તાત્‍કાલિક હવાઇ નિરીક્ષણ કરવા વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી આવી પહોંચતા તુરત જ રૂા.૫૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી. રાજ્‍યના સંવેદનાસભર મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પાંચ દિવસ માટે બનાસકાંઠા - પાટણમાં જ રોકાવાનો નિર્ણય લઇ રાહત કામગીરીને તેજ બનાવી. તેમણે પુર અસરગ્રસ્‍તોને મદદરૂપ થનાર ભરૂચ જિલ્લાની તમામ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, સંગઠનો, વહીવટીતંત્રના તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્‍યા હતા અને આવનારા સમયમાં ભરૂચ જિલ્લો તથા ગુજરાત રાજ્‍ય વધુ વિકાસશીલ બનાવવા ખભે ખભા મિલાવીને પ્રગતિ માટે કાર્યો કરવા તથા ભારતને સાચા અર્થમાં શ્રેષ્‍ઠ રાજ્‍ય બનાવવા ઉપસ્‍થિત સહુને અનુરોધ કર્યો હતો. અંતમાં તેઓએ ફરીથી ભરૂચ જિલ્લાની પ્રજાજનોને સ્‍વાતંત્ર્ય પર્વની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

પ્રારંભે સહકાર રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ ર્ક્‍યું હતું. તેમની સાથે જિલ્લા કલેક્‍ટરશ્રી સંદિપ સાગલે અને જિલ્લા પોલીસ વડાશ્રી સંદિપ સીંગ જોડાયા હતા.
સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પોલીસ દ્વારા માર્ચપાસ્‍ટ રાખવામાં આવેલ. મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના વરદ હસ્‍તે સ્‍વાતંત્ર્ય સેનાનીઓનું શાલ ઓઢાડીને સન્‍માન કરાયું હતું. વિભિન્ન ક્ષેત્રોમાં ઉત્‍કૃષ્‍ઠ પ્રદર્શન કરનારાઓનું પણ સ્‍મૃતિચિન્‍હથી બહુમાન કરાયું હતું. આ અવસરે પોલીસ પરેડ તથા વિવિધ શાળાના બાળકોએ દેશભકિતના ગીતો તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કરી શ્રોતાઓને મંત્રમૃગ્‍ધ કર્યા હતા. જિલ્લાના વિકાસ માટે મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે રૂા..૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટરશ્રી સંદિપ સાગલેને અર્પણ કરાયો હતો. શ્રેષ્‍ઠ સાંસ્‍કૃત્તિક કાર્યક્રમ, જાહેરાત કરી તેઓને પણ પ્રોત્‍સાહિત કરાયા હતા.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, પૂર્વ સાંસદશ્રી ભારતસિંહ પરમાર, ભરૂચના ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલ, વાગરાના ધારાસભ્‍યશ્રી અરૂણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા અગ્રે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સંદિપ સીંગ, નિવાસી અધિક કલેક્‍ટરશ્રી એન.સી.શાહ, પ્રાંત અધિકારીશ્રી ભાભોર, જિલ્લાના વરિષ્‍ઠ અધિકારીઓ-પદાધિકારીઓ, જિલ્લા-તાલુકાના આગેવાનો, શાળાના બાળકો, પોલીસ જવાનો સહિત મોટી સંખ્‍યામાં નાગરિકો ઉમટી પડયા હતાં.
આ કાર્યક્રમ બાદ મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ઓ.એન.જી.સી. ટાઉનશીપ ખાતે વૃક્ષારોપણ ર્ક્‍યુ હતું.

સમાચાર સંખ્‍યા - ૪૩૭
અંકલેશ્વર તાલુકાની પ્રાથિમક શાળા ગડખોલના
નવા મકાનનું મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના વરદહસ્‍તે થયેલું લોકાપર્ણ

ભરૂચઃ(મંગળવાર):- સર્વ શિક્ષા અભિયાન ધ્‍વારા નિર્મિત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા ગડખોલ પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ સહકાર વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના વરદહસ્‍તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા અગ્રે, પ્રાંત અધિકારીશ્રી ભાભોર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઇ પટેલ, અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્‍યક્ષશ્રી સંદિપભાઇ પટેલ, પૂર્વ પ્રમુખશ્રી મનહરભાઇ ગોહિલ ઉપસ્‍થિત રહ્‍યા હતા.

કાર્યક્રમનું દિપ પ્રાગટય ર્ક્‍યા બાદ રૂા.૮૫ લાખના ખર્ચે તૈયાર થયેલ નવીન પ્રાથમિક શાળાનું મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ ધ્‍વારા રીબીન કાપીને ખુલ્લી મુકવામાં આવી હતી.

આ પ્રસંગે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ ઉપસ્‍થિત સૌને સ્‍વાતંત્ર્ય પર્વ તથા જન્‍માષ્‍ટમી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. પ્રાથમિક શિક્ષણ એ પાયાનું શિક્ષણ છે ત્‍યારે વર્તમાન સમયમાં પાયાના શિક્ષણમાં કોઇ કચાશ ન રહે તે માટે આપણે સહુ વાલીઓએ જાગૃત બનવું પડશે.બાળકોને નિયમિત શાળાએ મોકલીએ. તેમણે ઉમેર્યુ હતું કે રાજય સરકાર પણ ગુણવત્તાવાળું શિક્ષણ મળે તે માટે સતત કાળજી રાખે છે. અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી પણ શિક્ષણ પ્રત્‍યે ખૂબ જ ધ્‍યાન આપે છે ત્‍યારે આપણે આપણા બાળકની ભણતરમાં કાળજી રાખીએ અને સારા વાતાવરણનો લાભ લઇએ તેવો ઉપસ્‍થિત સહુને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, આગેવાન પદાધિકારીઓ, ગામના સરપંચ- ડેપ્‍યુટી સરપંચ, ગામ આગેવાનો, ગ્રામજનો, શાળાના આચાર્ય, શિક્ષકો, બાળકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

ફોટો ગેલેરી