સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેરી વિસ્‍તારમાં ડોર ટુ ડોર ઘન કચરા કલેકશન વાહનને લીલી ઝંડી બતાવી મંત્રીશ્રીએ પ્રારંભ કરાવ્‍યો

Published: September 01 2017

પારદર્શિ પ્રશાસન માટે કટિબધ્‍ધ સરકાર દ્વારા પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવા તથા સરકારશ્રીની યોજનાઓના લાભ અને સહાયતા અંગેની નાગરિકોની વ્‍યક્‍તિગત રજૂઆતો/અરજીઓનો સ્‍થળ પર જ ઉકેલ માટે અંકલેશ્વર નગરપાલિકાનો વોર્ડ નં.૧, ૬ અને ૭ વિસ્‍તારનો સેવા સેતુનો કાર્યક્રમ રમણમૂળજી હોલ, હાંસોટ રોડ, અંકલેશ્વર ખાતે સહકાર વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો. આ પ્રસંગે સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેરી વિસ્‍તારમાં ડોર ટુ ડોર ઘન કચરાના કલેકશનનો પ્રારંભ પણ નગરપાલિકા કચેરી - અંકલેશ્વર ખાતે મંત્રીશ્રીએ કલેકશન વાહનને લીલી ઝંડી બતાવી પ્રસ્‍થાન કરાવ્‍યું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખશ્રીમતી મીનાબહેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઇ પટેલ, નગરપાલિકાના આગેવાન પદાધિકારીઓ સર્વશ્રી સંદિપભાઇપટેલ, જનકભાઇ શાહ, કલ્‍પેશભાઇ તેલવાલા ઉપસ્‍થિત રહ્‍યા હતા.

ત્રીજા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમને ખુલ્લો મુકતા અધ્‍યક્ષસ્‍થાનેથી મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્ર મોદીના સૂત્ર ‘‘સૌનો સાથ - સૌના વિકાસ'' ને અપનાવીને સમાજના દરેક વર્ગોના કલ્‍યાણ તેમજ ઝડપી અને પારદર્શી વિકાસને મુખ્‍યમંત્રીશ્રીએ પ્રાથમિકતા આપી છે. તેમણે ઉમેર્યુ હતું કે, રાજ્‍યના વહીવટમાં પારદર્શીતા વધે તેમજ પ્રજાની વ્‍યક્‍તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે ‘‘સેવા સેતુ'' નો કાર્યક્રમનો નવતર અભિગમનો અમલ રાજ્‍ય સરકાર ધ્‍વારા શરૂ કરાતા ખુબ જ સારા પરિણામો મળેલ છે. તેમણે છેવાડાના નાગરિકોના પ્રશ્નો માટે રાજ્‍ય સરકાર કટિબધ્‍ધ હોવાનું જણાવી એક પણ સાચો લાભાર્થી સરકારી લાભોથી વંચિત ન રહે તે માટે આપણે સૌ સામૂહિક પ્રયત્‍નો કરીએ તેવી અપેક્ષા સેવી હતી.

મંત્રીશ્રીએ રાજ્‍ય સરકારની વિવિધ યોજનાઓ પૈકી ગરીબ કલ્‍યાણ મેળા, કૃષિ મહોત્‍સવ, શાળા પ્રવેશોત્‍સવ, સહકાર વિભાગને લગતી યોજના, ઉજાલા યોજના સહિત અનેકવિધ કલ્‍યાણકારી યોજનાઓ સવિસ્‍તાર જાણકારી આપી હતી અને તેનો મહત્તમ લાભ લેવા ઉપસ્‍થિત ગ્રામજનોને અનુરોધ ર્ક્‍યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીના વરદહસ્‍તે સેવા સેતુ કાર્યક્રમમાં અરજી કરતાં અરજદારને આધારકાર્ડનું વિતરણ કરાયું હતું.

અંકલેશ્વર નગરપાલિકા ધ્‍વારા પણ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન અદ્યતન સુવિધા સાથે કલેકશન વાહનનો પ્રારંભ થયેલ છે ત્‍યારે અંકલેશ્વરના નગરજનો સ્‍વચ્‍છતાનું મહત્‍વ સમજી શહેરને સ્‍વચ્‍છ બનાવવા સહયોગ આપવા અનુરોધ ર્ક્‍યો હતો. નગરપાલિકાના પ્રમુખશ્રીમતી મીનાબહેન પટેલે અંકલેશ્વર શહેરી વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર ઘન કચરા કલેકશન અને ત્રીજા તબક્કાના શરૂ થયેલા સેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા અનુરોધ ર્ક્‍યો હતો. ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર નગરપાલિકા ધ્‍વારા સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત શરૂ થયેલા ડોર ટુ ડોર કલેકશનમાં કુલ-૯ વોર્ડમાં રહેણાંક એકમમાં ૧૯૩૮૮, સ્‍મલ વિસ્‍તારના ૨૫૫૪ અને વાણિજ્‍ય એકમોના ૯૧૩૩ મળી ૨૭૦૭૫ એકમોને આવરી લેવાયેલ છે. ઉપરાંત અંકલેશ્વર નગરપાલિકા ધ્‍વારા પ્રથમ અને બીજા તબક્કામાં યોજાયેલ સેવાસેતુના કાર્યક્રમમાં કુલ-૯ વોર્ડમાં ૫૦૩૧ અરજીઓ આવેલ અને તમામનો હકારાત્‍મક નિકાલ થયેલ છે.

આ પ્રસંગે સબંધિત ખાતાના અમલીકરણ અધિકારીગણ, અગ્રણી-પદાધિકારીઓ, નગરપાલિકાના સદસ્‍યો, અરજદારો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્‍યા હતા.