રાજ્ય સરકાર ધ્વારા પ્રજાને લગતા અનેકવિધ પ્રશ્નો સરકારશ્રીની વિકાસશીલ તથા લોકોપયોગી યોજનાઓ પ્રવૃત્તિઓ તથા પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે અને ચોક્કસ સમયમર્યાદામાં તથા પારદર્શી રીતે નિકાલ થાય તે હેતુસર ગ્રામ્યકક્ષાએ ‘‘સેવા સેતુ'' નો કાર્યક્રમ યોજવાનો નવીન અભિગમ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત ત્રીજા તબક્કાના સેવા સેતુનો કાર્યક્રમ અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ખાતે રાજ્યના સહકાર વિભાગના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઇ પટેલ, પ્રાંત અધિકારીશ્રી રમેશભાઇ ભગોરા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જુના બોરભાઠા બેટ મુકામે રૂા.૧ કરોડ વીસ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ પણ સહકાર વિભાગના રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ કલસ્ટરના જુના દિવા, નવા દિવા, બોરભાઠા, બોરભાઠા બેટ, સુરવાડી, નવા બરોભાઠા, નવી દિવી, નવા દિવ, ખાલપીયા અને સરફુદ્દીન ગામોના અરજદારોને સ્થળ પર જ દાખલા તથા મંજૂરીપત્રોનું પ્રતિકાત્મક વિતરણ મંત્રીશ્રીએ ર્ક્યું હતું. ઉપસ્થિત ગ્રામજનો-અરજદારોને સંબોધતા સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સૂત્ર ‘‘સૌનો સાથ - સૌના વિકાસ'' ને અપનાવીને સમાજના દરેક વર્ગોના કલ્યાણ તેમજ ઝડપી અને પારદર્શી વિકાસને મુખ્યમંત્રીશ્રીએ પ્રાથમિકતા આપી છે.
તેમણે ઉમેર્યુ હતું કે, રાજ્યના વહીવટમાં પારદર્શીતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકાકક્ષાએ ‘‘સેવા સેતુ'' નો કાર્યક્રમનો નવતર અભિગમનો સમગ્ર રાજ્યમાં સુંદર પ્રતિસાદ પ્રાપ્ત થયેલ છે. તેમણે કહ્યું હતું કે સેવા સેતુ કાર્યક્રમ થકી પ્રજાની લાગણી-માંગણી અને અપેક્ષા સ્થળ પર જ પૂર્ણ કરવામાં આવી રહી છે તેમ જણાવી તેમણે છેવાડાના નાગરિકોના પ્રશ્નો માટે રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું ભારપૂર્વક કહ્યું હતું.
સર્વ શિક્ષા અભિયાન ધ્વારા નિર્મિત રૂપિયા એક કરોડ વીસ લાખના ખર્ચે ૧૧ રૂમોવાળી ભૌતિક સુવિધાઓથી સુસજ્જ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરતાં ગૌરવની લાગણી અનુભવી ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પાઠવતાં મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શિક્ષણ ક્ષેત્રે અનેક જનહિતલક્ષી નિર્ણયો લેવામાં આવતા આજે જેના સારા પરિણામો આપણે જોઇ શકીએ છીએ. તેમણે રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓની જાણકારી આપી હતી અને તેનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત ગ્રામજનોને અનુરોધ ર્ક્યો હતો. પ્રાંત અધિકારીશ્રી રમેશભાઇ ભગોરાએ સુવિધાયુક્ત શાળા સંકુલ અને સેવા સેતુની પ્રગતિની વાતો ઉપસ્થિત સૌને જણાવી હતી.
આ સેવાસેતુ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, આયુર્વેદિક શાખા-ભરૂચ ધ્વારા હાલમાં ઋતૃજન્ય રોગચાળો સ્વાઇનફલુમાં રોગપ્રતિકાર શક્તિવર્ધક સ્વાઇનફલુ ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ. સ્વાઇનફલુથી બચવા શું કરવું જોઇએ તેનું જરૂરી માર્ગદર્શન પણ ર્ડાકટર ટીમ ધ્વારા આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરોગ્ય શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગોલ્ડન બ્રીજથી જુના બોરભાઠા બેટને જોડતા રસ્તાનું પણ મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે પ્રાથમિક શાળા જુના બોરભાઠા બેટની બાલીકાઓ ધ્વારા પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ થયા હતા. મામલતદારશ્રી બી.યુ.મહિડા ધ્વારા સ્વાગત પ્રવચન થયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત વિરોધપક્ષના નેતા શ્રી મગનભાઇ વસાવા, આગેવાન પદાધિકારીઓ શ્રી નીતેન્દ્રસિંહ દેવધરા, અનિલભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી વનીતાબહેન, સરપંચશ્રી પ્રફુલ્લભાઇ પટેલ, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી કિરણબહેન પટેલ, સબંધિત ખાતાના અમલીકરણ અધિકારીગણ, અગ્રણી-પદાધિકારીઓ, જે તે ગામના તલાટીશ્રીઓ, સરપંચશ્રીઓ, શાળાના શિક્ષકો, ગ્રામજનો, અરજદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમાચાર સંખ્યા - ૫૦૨
અંકલેશ્વરની સરદાર પટેલ પ્રાથમિક શાળા ખાતે
તાલુકાકક્ષાનું ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન યોજાયું
ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શનની મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટલે મુલાકાત લઇ
બાળકોને પ્રોત્સાહિત કર્યા
વિદ્યાર્થીઓ એ દેશનું ભાવિ છે, આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન અનિવાર્ય છે
-- મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ
ભરૂચઃ(શુક્રવાર):- જી.સી.ઇ.આર.ટી. - ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - ભરૂચ, પ્રેરિત તથા બ્લોક રીસોર્સ સેન્ટર અંકલેશ્વર ધ્વારા આયોજીત તાલુકાકક્ષાનું ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન - ૨૦૧૭ સરદાર પટેલ પ્રાથમિક શાળા - અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યું હતું.
આ ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શનનું ઉદઘાટન સહકાર વિભાગના રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે દિપ પ્રગટાવીને ર્ક્યુ હતું. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઇ પટેલ, કિસાન મોરચાના મહામંત્રીશ્રી બળવંતસિંહ ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નૈષધભાઇ મકવાણા, અંકલેશ્વર ઇન્ડીસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખશ્રી મહેશભાઇ પટેલ, લાયઝન અધિકારીશ્રી ડાયેટશ્રી પી.બી.પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મીનાબહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આજના ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓએ ટેકનોસેવી થયા વિના પાલવે તેમ નથી. વિજ્ઞાન અને ટેકનોલોજી જીવન સાથે જોડાયેલી બાબત છે. બાળકોમાં સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનું કામ શિક્ષકો કરી રહેલ છે. વિદ્યાર્થીઓ એ દેશનું ભાવિ છે. આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન અનિવાર્ય છે ત્યારે અહીં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં ભાગ લઇ કંઇક નવું કરવાની તમન્ના દાખવી છે તે બદલ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નૈષધ મકવાણાએ પ્રાસંગીક ઉદબોધનમાં જીવનમાં વિજ્ઞાન એ સર્વવ્યાપી છે. વિજ્ઞાન સિવાય વિકાસ નથી, વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પેદા થાય તેવી અપેક્ષા સેવી હતી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખશ્રી મહેશભાઇ પટેલે ટેકનોલોજીના યુગમાં વિજ્ઞાનને અપનાવી આધુનિકતા તરફ વળવા ઉપસ્થિત સોને અનુરોધ ર્ક્યો હતો.
આ પ્રસંગે તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનું, કલા ઉત્સવમાં તથા ખેલમહાકુંભમાં જિલ્લાકક્ષાએ પ્રથમ બનેલ વિદ્યાર્થીઓનું, દાતાશ્રીઓનું શાલ ઓઢાડી મંત્રીશ્રીના વરદહસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
તાલુકાકક્ષાના આ પ્રદર્શનમાં ૬૦ કૃતિઓ રજૂ થઇ હતી. અને ટકાઉ વિકાસ માટે નાવિન્યતા અને નવિનિકરણ વિષય હેઠળના જુદા જુદા વિભાગોમાં જેવા કે (૧) સ્વાસ્થ્ય અને સુખાકારી (૨) સંશાધન વ્યવસ્થાપન અને અન્નસુરક્ષાજળષાોતની જાળવણી (૩) કચરાનું વ્યવસ્થાપન અને જળષાોતની જાળવણી (૪) પરિવહન અને પ્રત્યાયન (૫) ડિજીટલ અને તકનિકી ઉકેલ/ગાણિતિક નમૂનામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું મંત્રીશ્રી તથા મહાનુભાવોએ મુલાકાત લઇ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે કારોબારી અધ્યક્ષશ્રી સંદિપભાઇ પટેલ, જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા શ્રી મગનભાઇ વસાવા, આગેવાનશ્રી નીતેન્દ્રભાઇ દેવધરા, અનિલભાઇ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીમતી કિંજલબહેન ચૌહાણ, આગેવાન પદાધિકારીઓ, શિક્ષણસંઘના હોદ્દેદારો, બી.આર.સી. કોઓર્ડિનેટરશ્રીઓ, શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકો, ભાગ લેનાર શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમાચાર સંખ્યા - ૫૦૩
અંકલેશ્વર તાલુકાના નવા હરીપુરા ખાતે
નવનિર્મિત શાળા સંકુલનું મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ
ભરૂચઃ(શુક્રવાર):- ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવા હરીપુરા ખાતે સર્વ શિક્ષા અધિયાન હેઠળ તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવ નિર્મિત શાળા સંકુલનું સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે લોકાર્પણ ર્ક્યું હતું. રૂા.૫૫ લાખના ખર્ચે તૈયાર થયેલ આ શાળા સંકુલ લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ સાથે તાલુકા પંચાયત અંકલેશ્વરના પ્રમુખશ્રી ભરતભાઇ પટેલ, એશિયન પેઇન્ટ લી. ના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એશિયન પેઇન્ટ લી. ધ્વારા મોબાઇલ સ્કુલ પ્રોજેક્ટ અંતર્ગત શાળાની ચાર વિદ્યાર્થીનીઓને ટેબલેટ વિતરણ કરાયું હતું.
ભૌતિક સુવિધાઓથી સુસજ્જ શાળા સંકુલના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત સૌને શુભેચ્છા પાઠવતા મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, શૈક્ષણિક ક્ષેત્રે નવતર અભિગમ રાજ્ય ધ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે શિક્ષણ માત્ર પુસ્તકીયું જ્ઞાન બનીને રહી ન જાય તે માટે રાજ્ય સરકારે કમર કસી છે. કૌશલ્ય વિકાસના માધ્યમથી બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવા નવી પહેલ કરવામાં આવી રહી છે. શહેરો જેવું જ કોમ્પ્યુટર શિક્ષણ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા શાળામાં કરવામાં આવી રહી છે ત્યારે આપણું બાળક સારૂં ભણતર મેળવે અને ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ગામના સરપંચશ્રી પ્રફુલ્લભાઇ પટેલ, એશિયન પેઇન્ટસના અધિકારીશ્રી વિજયભાઇ, શ્રી અશ્વિનભાઇ ચોકસી, જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા શ્રી મગનભાઇ વસાવા, આગેવાનશ્રી નીતેન્દ્રભાઇ દેવધરા, અનિલભાઇ પટેલ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, વિદ્યાર્થી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.