ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે આજે યોજાયેલ ભરૂચ તથા નર્મદા જિલ્લાના ‘મેગા જોબફેર' કાર્યક્રમનું માંગલદીપ પ્રાગટયકરણથી રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રવાસન અને વન વિભાગના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ અને સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ મેગા જોબફેરને ખૂલ્લો મુક્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત અંકલેશ્વરના પ્રમુખશ્રી ભરતભાઇ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલે, રોજગાર અને તાલીમ વિભાગ ગાંધીનગરના અધિક નિયામકશ્રી વી.એન.શાહ, આઇ.ટી.આઇ. અંકલેશ્વરના આચાર્યશ્રી બી.ડી.રાવળ, આઇ.ટી.આઇ. રાજપીપળાના આચાર્યશ્રી એ.ડી.ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, રાજય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ તથા સાંસદશ્રી મનસુખભાઇ વસાવા અને મહાનુભાવોના હસ્તે રોજગાર વાંચ્છુઓને રોજગારીના પત્રો તથા ઇન્સેટીવ સ્ટાઇપન્ડના ચેક એનાયત થયા હતા.
રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રવાસન અને વન વિભાગના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારમાં ખૂબ મહેનત કરીને તકલીફ વેઠીને શિક્ષિત થયેલ યુવક-યુવતિઓના નોકરી મેળવવાનું એક માત્ર સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબધ્ધ છે અને અહીં યોજાયેલા ભરૂચ - નર્મદા જિલ્લાના સંયુક્ત ‘મેગા જોબફેર' માં આજે ૭૫ ઉદ્યોગ એકમો ધ્વારા ૭૫૦૦ જેટલી રોજગારીની તકોની અહીં ઉપસ્થિત યુવાનોને નોકરી પ્રાપ્ત થશે તેવી ભાવના તેઓશ્રીએ વ્યક્ત કરી હતી.
ગરીબ પરિવારના એક યુવાનને રોજગારી આપવી એટલે એના પરિવારને આર્થિક સધ્ધરતાના માર્ગે આગળ લાવવાનો આ શ્રેષ્ઠ પ્રયાસ છે અને આ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમ સંચનાલય ગાંધીનગર હેઠળની જિલ્લા નોડલ ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓ - અંકલેશ્વર, રાજપીપળા આયોજીત ભરૂચ તથા નર્મદા જિલ્લાના મેગા જોબફેરનું આયોજન કરીને રોજગાર વાંચ્છુ યુવાનોને પ્રત્યક્ષ રોજગારીના પ્રમાણપત્રો આપ્યા છે અને તે પણ હાથો હાથ એમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે દેશભરમાં ગુજરાત સૌથી વધુ રોજગારી આપનારૂં રાજ્ય બન્યું છે અને એમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજનનો પણ મહત્વનો ફાળો પુરવાર થયો છે. ગુજરાતમાં સ્થાનિક રોજગાર વાંચ્છુઓને જ રોજગારી આપવા રાજ્ય સરકાર સતત મોનિટરીંગ કરી રહી છે અને એ બાબતે મંત્રીશ્રીએ કટિબધ્ધતા વ્યક્ત કરી હતી. રાજ્ય સરકાર ધ્વારા વિદ્યાર્થીઓને ટેબલેટ પુરા પાડવાની યોજનાની પણ વિગતે માહિતી આપી હતી.
ભારત દેશ યુવાનોનો દેશ છે તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, રાજયના યુવાનો માત્ર રોજગારી નથી મેળવતા પરંતુ અન્ય યુવાનો માટે રોજગારીનું સર્જન કરી રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું મહત્વનું યોગદાન આપવા અન્યને પ્રોત્સાહિત પણ કરે છે. રાજ્યમાં પારદર્શિ પધ્ધતિ અને માત્ર મેરીટના આધારે નોકરીની સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે તેમ પણ જણાવ્યું હતું.
સહકાર વિભાગના રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વસાહતોમાં રોજગારીની વિપુલ તકોના કારણે માત્ર ગુજરાત નહી દેશભરમાં આકર્ષણ રહ્યું છે. તેમણે ઉમેર્યુ હતું કે, ગુજરાતના સાર્વંગી વિકાસનો એક મોટો ભાગ યુવા વર્ગ - વિદ્યાર્થીઓ છે. રાજ્ય સરકાર વિવિધ યોજનાઓનું અમલીકરણ કરીને યુવાનો પગભર બને તે માટે કટિબધ્ધ બનેલ છે. સરકાર માત્ર તાલીમ આપીને છટકી જતી નથી પરંતુ મેગા જોબફેર મારફતે નોકરી મળે તેવા પ્રયાસો પણ કરે છે. મંત્રીશ્રીએ ઉપસ્થિત રોજગાર વાંચ્છુ યુવાનોને શુભેચ્છા પાઠવી હતી સાથે સાથે જિલ્લાના નોકરીદાતા ઉદ્યોગ એકમોને અભિનંદન પાઠવ્યા હતા.
ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દુરંદેશી નીતિને કારણે ભરતી પ્રક્રિયા વેગવાન બનાવી નિમણૂંકો અપાઇ છે. તેમણે યુવાનોને શીખ આપતાં જણાવ્યું હતું કે, પરિસ્થિતિ બદલાયેલ છે, લાયકાત કેળવવી પડશે અને સમયની માંગ મુજબ જ્ઞાન કેળવવું પડશે. તમારી પાસે લાયકાત હશે તો જ આગળ આવી શકશો. તેમણે મેઇક ઇન ઈન્ડિયા અને સ્ટેન્ડઅપ ઇન્ડિયાના પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને સાકાર કરવા યુવાનોને આહવાન ર્ક્યુ હતું.
પ્રારંભે રોજગાર અને તાલીમ વિભાગ ગાંધીનગરના અધિક નિયામકશ્રી વી.એન.શાહે સ્વાગત પ્રવચન ર્ક્યુ હતું જ્યારે અંતમાં આભારવિધિ નોડલ આઇ.ટી.આઇ. અંકલેશ્વરના આચાર્યશ્રી બીડી.રાવળે કરી હતી. આઇ.ટી.આઇ અંકલેશ્વરની તાલીમાર્થી બહેનો ધ્વારા પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ થયા હતા.
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ ધ્વારા યોજાયેલા ભરૂચ - નર્મદા જિલ્લાના ‘મેગા જોબફેર' કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રીમતી મીનાબહેન પટેલ, જિલ્લા પંચાયત વિરોધપક્ષના નેતાશ્રી મગનભાઇ વસાવા, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખશ્રી મહેશભાઇ પટેલ, આગેવાન પદાધિકારીઓ નિતેન્દ્રસિંહ દેવધરા, સંદિપ પટેલ, સહિત ઓદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી વર્ગ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં રોજગારવાંચ્છુ યુવાવર્ગ ઉપસ્થિત રહ્યો હતો.
સમાચાર સંખ્યા - ૫૦૫
અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા ખાતે શાળા સંકુલનું
મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે થયેલું ખાતમુર્હૂત
ભરૂચઃ(શનિવાર):- રાજ્ય સરકારે શિક્ષણના ધામ સમાન શાળાઓમાં માળખાકીય તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા ખાતે અંદાજીત રૂા.૬૦ લાખના ખર્ચે સાત ઓરડા સહિતનું તૈયાર થનાર શાળા સંકુલનું ખાતમુર્હૂત ર્ક્યું હતું. મંત્રીશ્રીએ આ તકે નવા બોરભાઠા ખાતે હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસ કામોની વિગતો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, છેવાડાના ગામડામાં રહેલાં ગરીબ અને ખેડૂતોનું હિત રાજ્ય સરકારના હૈયે વસેલુ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ પટેલ, ગામના સરપંચશ્રી, આગેવાન પદાધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.