ચોર-લુટેરાઓને દેશની સંપતિ સામે ષડયંત્ર રચી રહેલાઓને સાવધ રહેવાની સાથે ઇમાનદારીનો ઇતિહાસ રચી ઇતિહાસ બનાવવાની હિમાયત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી
ભૃગુતિર્થ ભરૂચ ખાતે સેંકડો કરોડના પ્રકલ્પોનું ભૂમિપૂજન/લોકાર્પણ કરતા વિકાસપુરૂષ શ્રી નરેન્દ્રભાઇ મોદી
ભાડભૂત બેરેજ યોજના, નીમ પ્રોજેકટ અને અંત્યોદય એકસપ્રેસ ટ્રેનનું ભરૂચ ખાતે લોકાર્પણ :
ભરૂચઃ(રવિવાર):- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મા નર્મદાના તટે સેંકડો કરોડના પ્રકલ્પોનું ભૂમિપૂજન કરી, ચોર-લુટેરાઓને દેશની સંપતિ સામે ષડયંત્ર રચી રહેલાઓને સાવધ રહેવાની સાથે ઇમાનદારીનો ઇતિહાસ રચી ઇતિહાસ બનાવવાની હિમાયત કરી હતી.
મા નર્મદાની પાવન ધરતી પર બીજીવાર પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભરૂચ ખાતે રૂા.૪૩૩૭ કરોડ ખર્ચે તૈયાર થનારા ભાડભૂત બેરેજ યોજના, જીએનએફસી વિવિધ પ્રોજેકટનું ભૂમિપૂજન કર્યું હતું. વડાપ્રધાને ઉધના-જયનગર બિહાર અંત્યોદય અનરીઝર્વ ટ્રેનને ઇ-માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ભરૂચ ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટી મેદાન ખાતે વિશાળ સમિયાણમાં જનસેલાબની વચ્ચે વડાપ્રધાનશ્રીએ મા નર્મદાને વંદન કરી, મા નર્મદા વગર ગુજરાતની કલ્પના નહી કરી શકીએ, નર્મદા ગુજરાતનું જીવન છે, ચેતના છે, ગુજરાતના જનજનમાં આત્મવિશ્વાસ જગાડયો છે. ગુજરાતના પુરુષાર્થના કારણે સરદાર ડેમ પુર્ણ થયો છે. લાખો કિસાનોની જમીન નર્મદા મૈયાના નીર થકી નવપલ્લવિત થશે અને ગુજરાત વિકાસનો પર્યાય બનશે તેવું દ્ઢવિશ્વાસ સાથે જણાવ્યું હતું.
ભાડભુત બેરેજ યોજના ભરૂચ જિલ્લા માટે ઐતિહાસિક નિર્ણય બદલ રાજય સરકારને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, નર્મદા તટના ખેડૂતોની બરબાદ થતી જમીનને પુર્નજીવિત કરવી છે. નદી-સમુદ્ર તટના મિલન સ્થળે એક ચેનલ બનાવીને વૈજ્ઞાનિક ઢબે અદભુત કાર્ય થઇ રહયું છે. હિન્દુસ્તાનના બીજા રાજયોને આ યોજનાથી અભ્યાસનો લાભ મળશે. દક્ષિણ ગુજરાતના હજીરા અને દહેજ બંદરને જોડશે. જેના કારણે ઇન્ડસ્ટ્રીયલ ઝોન દ્વારા વિકાસના નવા ઘ્વાર ખુલશે. નર્મદાના તટ વિસ્તારના ગામોમાં પાણીના તળ ઊંચા આવશે, પર્યાવરણનું પણ જતન થશે. આ પવિત્ર કાર્ય છે. ગુજરાતની વિકાસયાત્રામાં ગતિ આપવા સહભાગી રાજય સરકાર અને જનતાને તેમણે અભિનંદન આપ્યા હતા.
વડાપ્રધાનીશ્રીએ માછીમારો માટે ભારત સરકારે બનાવેલી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સમુદ્રમાં વિપુલ માત્રામાં માછલીઓનો ભંડાર પડેલો છે. રૂા.એક થી બે કરોડની બોટ ખરીદવા ઓછા વ્યાજે લોન આપશે, જેના થકી રોજગારી ઉપાર્જનમાં વધારો થશે એમ વડાપ્રધાને જણાવ્યું હતું.
જીએનએફસીના નીમ કોટિન યુરિયા પ્રોજેકટ પ્લાન્ટ, ઓર્ગેનિક પેસ્ટીસાઇડ, નીમ ઓઇલ અને નવા ડાઇ કેલ્શીયમ ફોસ્ટેડ પ્લાન્ટનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કિસાનો માટે ઉપકારક બનશે, એમ જણાવી વડાપ્રધાને ઉમેર્યું હતું કે, કિસાનોની કઠિનાઇઓને સરકારે સમજીને ઐતિહાસિક નિર્ણય કર્યો છે. યુરિયામાં ભારત સરકાર હજ્જારો-કરોડો રૂપિયાની સબસીડી આપે છે. હવે ખેડૂતોને ચીઠ્ઠી નથી લખવી પડતી કે, લાઠીચાર્જ સહન કરવો પડતો નથી. હજજારો ખેડૂતો સુધી યુરિયા પહોંચતું ન હતું. કેમિકલ્સ ફેકટરીઓમાં જતું હતું. દેશનો ખજાનો લુંટાતો હતો. યુરિયાના નીમ કોટિંગ થકી કેમિકલ્સ ફેકટરીઓમાં જવાનું બંધ થયું. નીમ કોટિંગના કારણે લીમડાના ઝાડની મહત્તા વધી છે. નીમ કોટિંગના કારણે ભરૂચ વિસ્તારની મહિલાઓ રૂા.૪૦ કરોડની આવક મેળવે છે.
જીએનએફસીનો પશુ આહારનો પ્લાન્ટ પશુઓના વિકાસ માટે આધારશીલા બનશે તેવું વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું. હિન્દુસ્તાનમાં ગુજરાત એવું રાજય છે, જે પશુપાલન ક્ષેત્રે આગવું પ્રતિનિધિત્વ કરે છે, જેને નવું બળ મળશે અને ગુજરાતના ખેડૂતોની આમદની વધતા આજીવિકામાં બદલાવનો અવસર મળશે તેમ, વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું.
પંડિત દિનદયાળ ઉપાધ્યાય શતાબ્દિ વર્ષ ઉજવણીનો મહત્વના નિર્ણયનો ઉલ્લેખ કરીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, રેલ વિભાગે અંત્યોદય એક્ષ્પેસ રેલ સેવાઓ શરૂ કરી છે. ઉધના- જયનગર (બિહાર) અનરીઝર્વ ટ્રેન મજદુરી માટે આવતા ગરીબ પરિવારો માટે તહેવારોના સમયમાં સીધા માદરે વતન પહોંચાડશે. લોકોની મુશ્કેલીઓ નિવારવા લાંબા અંતરની રેલ સેવા શરૂ કરવામાં આવી છે. પ્રથમ અંત્યોદય ટ્રેન મુંબઇ-ગોરખપુર શરૂ કરવામાં આવી હતી. વડોદરા-બનારસ (મહામાર એકસપ્રેસ) ઉતર ભારતના લોકોની રેલ સુવિધામાં વધારો થયો છે. આ વિસ્તારના લોકો પણ કાશી-ગંગાના દર્શન કરી શકશે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભરૂચ ખાતે જણાવ્યું હતું કે, વિકાસ - ગુજરાત અને મોદી એ હવે એકબીજાના પર્યાયી બની ગયા છે. વિકાસ એ આપણું લક્ષ્ય છે અને નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિનો નવો અધ્યાય રચ્યો છે.તેમણે વિકાસ વિરોધી કોંગ્રેસીઓને આડે હાથ લેતાં કહ્યુ કે વિકાસ એ તમારા માટે મજાક હશે અમારા માટે મીજાજ છે. વિકાસની પરીભાષા ગુજરાત દેશને આપી છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે કોંગ્રેસી યુવા નેતા રાહુલ બાબાના જુઠાણા હવે ચલાવાશે નહી.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કોંગ્રેસી ઉપાધ્યક્ષને ગુજરાતમાં રોજગારી નથી મળતી એવી કહેલી વાતનો જડબાતોડ જવાબ આપતા કહ્યું કે અમે દોઢ લાખ લોકોને રોજગારનો અવસર આપ્યો છે, એ શહામૃગનીતિ દાખવનારાઓને નહી દેખાય.
વિકાસ પુરૂષશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન વિકાસનાં અનેકવિધ નવા પ્રકલ્પોની ભેટ ધરી છે, ત્યારે વિકાસ વિરોધીઓ માટે ભલે મજાક હોય, પરંતુ સરકાર માટે વિકાસ એ મિજાજ છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિરોધીઓને જુઠ્ઠાણા ફેલાવવાનું બંધ કરવાની તાકિદ કરતાં પ્રજાને ગુમરાહ કરવાની રાજનીતિને પ્રજાએ ફગાવી દીધી છે તેમ જણાવ્યું હતું.
વિકાસની રાજનીતિ સાથે ગુજરાત અને ભારતના પ્રજાજનોને વિકાસની રાહ ઉપર લઇ જનારા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિરોધીઓ ધ્વારા ગુજરાત વિરૂધ્ધ ફેલાવતાં જુઠ્ઠાણાંનો જડબાતોડ જવાબ આપતાં, ભૂતકાળની સરકારોને કલ્પના પણ ન હોય તેવો વિકાસ આ સરકાર કરી રહી છે ત્યારે પારદર્શક અને પ્રામાણિકતાનું શાસન દેશમાં સ્થપાઇ રહ્યું છે, તે વિરોધીઓને ખૂંચી રહ્યુ છે તેમ જણાવ્યું હતું.
છેલ્લાં ત્રણ વર્ષોમાં ગુજરાતના પનોતાપૂત્ર એવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માની મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ હું ગુજરાત છું, હું વિકાસ છું એમ જણાવી સૌ પ્રજાજનોને સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને ચરિતાર્થ કરવાનું પણ આહવાન ર્ક્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ભરૂચ મુલાકાત વેળા (૧) ઉધના(સુરત) થી જયનગર(બિહાર) માટેની પુરી અનરીઝર્વ ટ્રેન અંત્યોદય એકસપ્રેસને ડીજીટલી લીલી ઝંડીથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત (૨) GNFC ના નીમ પ્રોજેક્ટનું પણ વડાપ્રધાનશ્રીના હસ્તે ભરૂચ ખાતે લોકાર્પણ કરાયું હતું. જ્યારે (૩) ભરૂચની વર્ષો જુની માંગણી એવા ભાડભૂત બેરેજનો પણ વડાપ્રધાનશ્રીએ ભૃગુતિર્થના આંગણે શિલાન્યાસ ર્ક્યો હતો.
ભરૂચની વર્ષો જુની માંગણી અને લાગણીની પૂર્તિ માટે ભાડભૂત બેરેજની આવશ્યકતાને ખૂબ જ સંવેદના સાથે હાથ ઉપર લઇને પ્રજાજનોની જરૂરિયાતને ધ્યાને રાખી આ પ્રોજેક્ટને ફાસ્ટ ટ્રેક ઉપર મુકીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ વિસ્તારના પ્રજાજનો માટે ખુબ જ ઉપકારક કામ ર્ક્યુ છે. તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે પ્રજાની આશા અને અપેક્ષાની પૂર્તિ કરવા બદલ પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત ર્ક્યો હતો.
પ્રાસંગિક વક્તવ્યમાં શ્રી પટેલે ભરૂચ તથા તેની આસપાસના વિસ્તારોમાં આકાર લઇ રહેલા પ્રકલ્પો ભરૂચ વિસ્તારની કાયાપલટ કરશે. તેમ પણ ભરૂચ ખાતે જણાવ્યું હતું.
ભૃગુતિર્થ ભરૂચનો બુલેટ ગતિએ વિકાસ કરવામાં અને ભરૂચ જિલ્લાના પ્રજાજનોની જરૂરિયાતોની પૂર્તિ માટે સંવેદનશીલતા સાથે આગળ વધી રહેલા ભારતના પનોતા પુત્ર એવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વાગત કરતાં ભરૂચનાં સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની જોડીને રામ-લક્ષ્મણની જોડી ગણાવી હતી. ગુજરાતના દરેક પ્રજાજનોના કલ્યાણ અર્થે રાતદિવસ એક કરતાં સરકારનાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ર્ક્યું હતું.
કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં પુર્વ મુખ્યપ્રધાન શ્રીમતી આનંદીબહેન પટેલ, વન, આદિજાતિ અને પ્રવાસન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, ગૃહ રાજયમંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, રાજય સહકાર મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્યો સર્વ શ્રી દુષ્યંતભાઇ પટેલ, શ્રી અરૂણસિંહ રણા, શ્રી છત્રસિંહ મોરી, જિલ્લા પ્રભારી સચિવશ્રી શાહમીના હુસેન, કલ્પસર પ્રભાગના સચિવશ્રી કે.એ.પટેલ, જી.એન.એફ.સી.ના એમ.ડી. ર્ડા. રાજીવકુમાર ગુપ્તા, ભાજપ પ્રદેશ મહામંત્રીશ્રી ભરતસિંહ પરમાર, કલેકટર શ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે, જિલ્લા પોલીસ વડા સંદીપસિંગ, જિલ્લા અગ્રણીશ્રી યોગેશભાઇ પટેલ, સહિત પદાધિકારી/અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.