ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અગાઉથી પાણીના પ્રશ્નોનો સર્વે કરી તાત્‍કાલિક આગોતરૂ આયોજન કરવા પ્રભારીમંત્રીશ્રીની તાકીદ

Published: April 07 2018

સુરેન્‍દ્રનગર નગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ
સંકલન કરીને નિયમિત પાણી પુરવઠો પુરો પાડે - રાજયમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ
  -------
અગરીયા વિસ્‍તારમાં પીવાના પાણી માટે વધારે ટેન્‍કરોની વ્‍યવસ્‍થા કરાશે - કલેકટરશ્રી ઉદ્દીત અગ્રવાલ

મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લાના
વિવિધ પ્રશ્નોના નિરાકણર માટે સમીક્ષા બેઠક યોજાઇ...સુરેન્‍દ્રનગર :- આગામી દિવસોમાં ઉનાળો શરૂ થઇ રહયો છે, ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્‍લાના ગામોમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ પાણીના પ્રશ્નો ઉભા ન થાય તે માટે અગાઉથી જ ગામની મુલાકાત લઇ સર્વે કરી તેના નિરાકરણ અંગે આગોતરૂ આયોજન કરી પાણી પુરૂ પાડવા રાજયના સહકાર અને રમત ગમત તથા જિલ્‍લાના પ્રભારી મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે તાકીદ કરી છે.

સુરેન્‍દ્રનગર જિલ્‍લાને સ્‍પર્શતા પ્રશ્નો માટે મંત્રીશ્રી ઇશ્વરસિંહે આજે જિલ્‍લાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્‍લા કલેકટરશ્રી ઉદ્દીત અગ્રવાલ, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી મનિષકુમાર બંસલ, પોલીસ અધિક્ષકશ્રી દિપકકુમાર મેઘાણી, ધારાસભ્‍યશ્રી ધનજીભાઇ પટેલ તથા અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતાં.

મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે વધુમાં જણાવ્‍યું હતું કે સુરેન્‍દ્રનગર નગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ સંકલન કરીને સુરેન્‍દ્રનગર અને વઢવાણ શહેરમાં નિયમિત પાણી મળી રહે તેવી સુદ્રઢ વ્‍યવસ્‍થા કરવી જોઇએ.

મંત્રીશ્રીએ ખેલ મહાકુંભમાં વધારેમાં વધારે ખેલાડીઓ જોડાય તે માટે તેમને પ્રેરણા અને માર્ગદર્શન પુરૂ પાડવા પણ અપીલ કરી હતી.

આ તબક્કે મંત્રીશ્રીએ જિલ્‍લાના સહકાર, એસ.ટી., વાહન વ્‍યવહાર, ડેરી અને યુવક સેવા વિભાગના અધિકારીઓ સાથે પ્રશ્નોની ચર્ચા કરી માર્ગદર્શન આપ્‍યું હતું અને તેના નિરાકરણ માટે તાકિદ કરી હતી. ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓને સ્‍કુલમાં જ એસ.ટી. મુસાફરી માટેના માસિક પાસ મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરવા પર ભાર મુકયો હતો.

જિલ્‍લા કલેકટરશ્રી ઉદ્દીત અગ્રવાલે જણાવ્‍યું હતું કે રણવિસ્‍તારમાં અગરીયાઓ માટે હાલ ૮ ટેન્‍કરો દ્વારા પાણી વિતરણ થઇ રહેલ છે અને જરૂરીયાત મુજબ હજુ વધારે ટેન્‍કરોની વ્‍યવસ્‍થા કરવામાં આવશે. જયાં જરૂર છે ત્‍યાં પાણીના નવા સંપ બનાવવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું.

ફોટો ગેલેરી