અંતરિયાળ વિસ્તારના લોકોને પીવાનું પાણી યોગ્ય માત્રામાં મળી રહે તે માટે સુદ્રઢ આયોજનબધ્ધ કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Published: April 07 2018

બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને ગુજરાતના સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આજે બોટાદ જિલ્લાની પીવાના પાણીની સમિક્ષા અર્થે જિલ્લાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

આ બેઠકને સંબોધતાં મંત્રીશ્રીએ સબંધિત અધિકારીશ્રીઓને જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકોને પીવાનું પાણી યોગ્ય માત્રામાં મળી રહે તે માટે સુદ્રઢ આયોજનબધ્ધ કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રીએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓ પાસેથી ભૂતકાળમાં ઉભી થયેલી પીવાના પાણીની પરિસ્થિતિ અને તે સમયે લેવાયેલ પગલાંઓ તેમજ હાલની પીવાના પાણીની પરિસ્થિતિ અને તે સંદર્ભે હાથ ધરાવામાં આવેલ આયોજન – કામગીરી બાબતે વિસ્તૃત ચર્ચા કરી અધિકારીશ્રીઓને સજાગતા સાથે લોકોને પીવાનું પાણી યોગ્ય માત્રામાં મળી રહે તે માટે કાર્ય કરવા જણાવ્યું હતુ.

મંત્રીશ્રીએ આ તકે બેઠકમાં ઉપસ્થિત અન્ય વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી તેમના વિભાગની કામગીરી બાબતે પણ જાણકારી મેળવી જરૂરી સૂચન કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેષ કોયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સજ્જનસિંહ પરમાર, અધિક નિવાસી કલેકટરશ્રી બી. વી. લીંબાસીયા, નાયબ કલેકટરશ્રી નસીમ મોદન સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ફોટો ગેલેરી