બોટાદ શહેરની મોડલ સ્કુલના વિદ્યાર્થીઓના વાંચન – લેખન અને ગણન કૌશલ્યની ચકાસણી કરવામાં આવી.

Published: April 07 2018

બોટાદ જિલ્લામાં ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત બોટાદ શહેરની મોડલ સ્કુલની સહકાર રાજ્ય મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે મુલાકાત લઈ ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓના વાંચન – લેખન અને ગણન કૌશલ્યની ચકાસણી કરી હતી.

આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં શિક્ષણના સ્તરમાં સુધારો થાય અને એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે ૧૫ વર્ષ પહેલાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અભિનવ અભિયાન આરંભ્યુ હતુ, જેના પરિણામે રાજ્યની શાળાઓમાં ભૌતિક સુવિધાઓની સાથે શિક્ષણની ગુણાત્મકતામાં પણ વધારો થયો છે.
તેમણે ઉમેર્યું હતુ કે, રાજ્ય સરકારે હાથ ધરેલા શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવ રૂપી યજ્ઞકાર્યના કારણે આજે ડ્રોપ આઉટ રેટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુણોત્સવ કાર્યક્રમના કારણે ‘એ’ અને ‘એ પ્લસ’ ગ્રેડની શાળાઓમાં પણ વધારો થયો છે.


મંત્રીશ્રીએ રાજ્યની શાળાઓમાં ઉભી કરવામાં આવેલ ભૌતિક સુવિધાઓની સાથે પ્રત્યેક શાળાઓમાં ઉપલબ્ધ બનાવાયેલ કોમ્પ્યુટર લેબનો ઉલ્લેખ કરતાં કહ્યું હતુ કે, શાળાઓમાં કોમ્પ્યુટર લેબ બનતા હવે છેવાડાના વિસ્તારના – અંતરિયાળ ગામડાના દિકરા – દિકરીઓ પણ કોમ્પ્યુટરનું જ્ઞાન મેળવી શકે છે.

આ તકે મોડલ સ્કુલના વર્ગખંડો, વર્ગ વ્યવસ્થા અને હાજરી, સ્વચ્છતા અને મધ્યાહન ભોજન, સ્કુલ કમ્પાઉન્ડમાં આવેલ હોસ્ટેલ સહિતની અનેકવિધ બાબતોનું નિરીક્ષણ કરી મંત્રીશ્રી સ્કુલમાં હાથ ધરાતી સહ-અભ્યાસની પ્રવૃત્તિઓ, સંસાધનોનો ઉપયોગ અને લોકભાગીદારી સહિતની વિગતોથી માહિતગાર થયા હતા.


આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમાર, નાયબ કલેકટરશ્રી નસીમ મોદન, જિલ્લા રજીસ્ટ્રારશ્રી ગઢવી, બોટાદ તાલુકા વિકાસ અધિકારીશ્રી, સ્કુલના આચાર્ય – શિક્ષકો તથા અન્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ફોટો ગેલેરી