બોટાદ જિલ્લાના કુંડળધામ ખાતે મહિલા સંમેલન યોજાયું. જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓને સન્માનિત કરાઈ.

Published: March 10 2018

બોટાદ જિલ્લાના કુંડળધામ ખાતે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિનની ઉજવણી અન્વયે રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં મહિલા સંમેલન યોજાયું હતુ.આ મહિલા સંમેલનમાં ઉદ્દબોધન કરતાં મંત્રીશ્રીએ જણાવ્‍યું હતુ કે, ગુજરાતના વિકાસમાં મહિલાઓની સહભાગીદારીતા વધે તે માટે રાજ્ય સરકાર કાર્યશીલ છે, ત્યારે આપણે સૌએ પણ દિકરીઓને બચાવી, દિકરીઓને ભણાવવા સંકલ્‍પબધ્‍ધ બની બેટી બચાવો અભિયાનને સાર્થક કરવું પડશે.

મંત્રીશ્રીએ કહ્યું હતુ કે, મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણીની આગેવાની હેઠળ રાજય સરકારે કરેલી મહિલા કલ્‍યાણકારી પહેલ અને વિવિધ યોજનાકિય લાભોના પરિણામે મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરાનું સ્‍થાન ધરાવે છે.તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ માટે કરેલી આરોગ્ય, શિક્ષણ, રોજગારી સહિતની બહુવિધ ક્ષેત્રની કામગીરી અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બની છે. આજે રાજ્યની મહિલા દર્દીઓને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સરની વિનામૂલ્યે તપાસ અને સારવારનો લાભ મળી રહયો છે.
રાજ્યના મહિલા ઉદ્યોગ સાહસિકો માટે મહિલા ઔદ્યોગિક પાર્ક (મહિલા જી.આઈ.ડી.સી.) ની રચના કરવામાં આવી છે. જે મહિલા સશક્તિકરણની દિશામાં ગુજરાત સરકારનું નવતર કદમ છે.
રાજ્યમાં નારી સુરક્ષા માટે ૧૮૧ અભયમ હેલ્પલાઈન આશીર્વાદરૂપ પુરવાર થઈ છે. અભયમ ૧૮૧ યોજના – છેડતી કે ડોમેસ્ટીક વાયોલન્સનો ભોગ બનતી મહિલાઓને ત્વરીત સહાય માટે રાઉન્ડ ધ ક્લોક સેવાનું સમગ્ર રાજ્યમાં વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું છે, તેમ જણાણી મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતુ કે, બોટાદ જિલ્લામાં વર્ષ ૨૦૧૭ મા ૩૫૧ જેટલા કેસોના કિસ્સામાં મહિલા હેલ્પ લાઈન ૧૮૧ દ્વારા ફરીયાદ લેઈ તેના નિરાકરણનું કાર્ય કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમારે પ્રાસંગિક ઉદ્દબોધન કરી મહિલા સંમેલનનો ઉદ્દેશ સમજાવતા જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારની લોક કલ્યાણકારી મહિલાલક્ષી યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે અને મહિલાઓ આવી યોજના બાબતે જાગૃત બની તેનો લાભ મેળવે તે માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અંતર્ગત મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે મીશન મંગલમ યોજના અંતર્ગત સ્વ સહાય જુથની બહેનોને રીવોલ્વીગ ફંડ અને કમ્યુનીટી ઈન્વેસ્ટમેન્ટ સહાયના ચેક, માતા યશોદા એવોર્ડ, મફત પ્લોટની સનદ વિતરણ, ઉજ્જવલા કિટ વિતરણ, આયુષ મહિલા મેડીકલ ઓફિસરશ્રીને કાયા કલ્પ એવોર્ડ, મમતા કાર્ડ તેમજ મહિલા હેલ્થ વર્કરને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે કાર્યક્રમના સ્થળે પશુપાલન, જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી, રોજગાર અને માહિતી વિભાગ સહિતના વિવિધ વિભાગોના પ્રદર્શન સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા, જેની ઉપસ્થિત બહેનોએ મુલાકાત લઈ સરકારશ્રીની વિવિધ યોજનાઓથી માહિતગાર થઈ હતી. આ તકે વિવિધ વિભાગો દ્વારા તેમની મહિલાલક્ષી યોજનાઓ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજુ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં મહાનુભાવોની સાથે ઉપસ્થિત મોટી સંખ્યામાં બહેનોએ બેટી બચાવવાના શપથ લીધા હતા.

કુંડળધામ ખાતે યોજાયેલ આ મહિલા સંમેલનમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેષ કોયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સજ્જનસિંહ પરમાર, આસીસ્ટન્ટ કલેકટરશ્રી ડો. જીન્સી વિલીયમ્સ, અધિક નિવાસી કલેકટરશ્રી બી. વી. લીંબાસીયા, બરવાળા નગરપાલિકાના પ્રમુખશ્રી મીનાબેન રાણપુરા, બોટાદ નગરપાલિકાના પ્રમુખશ્રી બીનાબેન મહેતા, અગ્રણીઓ સર્વશ્રી કાળુભાઈ ડાભી, મહાસુખભાઈ કણઝરીયા, રેખાબેન ડુંગરાણી, મનહરભાઈ માતરીયા, છનાભાઈ કેરાળીયા, અધિકારી – પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં જિલ્લાની બહેનો ઉપસ્થિત રહી હતી.

ફોટો ગેલેરી