પેટલાદ ખાતે ૬૯મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી સાથે ત્રિરંગો લેહરાવામાં આવ્યો હતો.

Published: January 26 2018

આણંદ જિલ્લાના પેટલાદ ખાતે ભારતના ૬૯મા પ્રજાસત્તાક દિન નિમત્તે જિલ્લા કક્ષાની ઉજવણી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે  સહકાર, રમત-ગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વાહનવ્યવહાર રાજય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે ભારતના આન-બાન-શાન સમા રાષ્ટ્રધ્વજને લહેરાવીને સલામી આપી હતી.

મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે રાષ્ટ્રના ત્રિરંગાની આન-બાન અને શાન માટે વંદેમાતરમના નાદને ગૂંજતો રાખવા માટે જેમણે પોતાના પ્રાણોની આહૂતિ આપી તેવા વીર સપૂતોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. રાષ્ટ્રની આઝાદી કાજે સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓની મુલાકાત લઇને આઝાદી પર્વની શુભેચ્છાઓ પાઠવી તેઓનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

મંત્રીશ્રીએ આ પ્રસંગે આણંદ જિલ્લો સ્વતંત્રતા સંગ્રામનો સાક્ષી રહ્યો છે તેનો ઉલ્લેખ કરી અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઇ પટેલે પેટલાદ ખાતે શિક્ષણ મેળવ્યું હતું. પૂ. ગાંધીબાપુના પ્રેરણામૂર્તિ એવા શ્રીમદ રાજચંદ્રજીના આશ્રમની ભૂમિ, ક્રાંતિકારી વિચારધારાના પ્રવર્તક સંત શ્રી સ્વામી સચ્ચિદાનંદજી અને અરજણશાપીરની દરગાહ કોમી એખલાસની ભૂમિ ઉપર રાષ્ટ્રની ગરીમા અને ગૌરવને ઉજાગર કરતા એવા પ્રજાસત્તાક દિનની ઉજવણી થઇ રહી છે તે પ્રતિ ગૌરવની લાગણી વ્યકત કરી દેશના અને રાજયના વિકાસમાં રાજકીય ઇચ્છાશકિતની સાથે જનશકિતને જોડીને રાજયને વિકાસની ઉંચાઇના શિખરો સર કરવા આહવાન કર્યું હતું.  

શ્રી પટેલે આ પ્રસંગે રાજકીય ઇચ્છાશકિત અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલના પ્રેરક નેતૃત્વ હેઠળ રાજયમાં આણંદ જિલ્લાએ વિકાસ ક્ષેત્રે ભરેલ હરણફાળની વિગતો આપતાં કહ્યું કે, ઘરનું ઘર પ્રત્યેક વ્યકિતનું સ્વપ્ન હોય છે. ત્યારે પેટલાદ નગરપાલિકાએ સાડા છ કરોડના ખર્ચે હાઉસિંગ મિશન યોજના હેઠળ ૨૨૪ ઘરવિહોણા પરિવારોને રસોઇ ગેસ લાઇન, શૌચાલય અને વીજ જેવી પાયાની સુવિધાઓથી સુસજજ ઘર ફાળવી આપ્યા એટલું જ નહી પણ સમગ્ર નગરમાં એલ.ઇ.ડી. બલ્બ લગાવીને માસિક રૂ. ર.૪૦ લાખની બચત કરી છે.

મંત્રીશ્રીએ રાજયના વાહનવ્યવહાર ક્ષેત્રે આણંદ જિલ્લામાં ૪૬૯૫ વાહનોની ઓનલાઇન હરાજીમાં રૂા. ૮૪ લાખની આવક મેળવી, ૩૩ હજાર વાહન ઓનલાઇન સી.આર. ટેગ આપી રૂા.૬૬ લાખની આવક મેળવી છે. સારથી સોફટવેર હેઠળ ૨૪૧૧૪ ડ્રાઇવીંગ લાયસન્સ આપીને ર.૫૮ કરોડની આવક મેળવી ૭૪ હજાર સ્માર્ટકાર્ડ રૂપે આર.સી. બુકનું વિતરણ કર્યું. કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ જિલ્લામાં ગાડાઉન બાંધકામ માટે ધિરાણ અને સિંચાઇ હેઠળ રૂા. ૭.૩૫ કરોડની સહાય કરવામાં આવી હોવાનું જણાવી ૧૬૧૭ જેટલી સહકારી દૂધ મંડળીઓએ અમૂલનું ગૌરવ વધાર્યું છે.  જિલ્લામાં ૧૭ જેટલા રોજગાર મેળા યોજીને ૮૬૯૫ જેટલા રોજગાર વાંચ્છુ યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી હોવાનું કહ્યું હતું.

જિલ્લામાં પ્રાથમિક શિક્ષણને વધુને વધુ સક્ષમ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને કારણે ૧૦૮૪૧ ગરીબ પરિવારની કન્યાઓને વિનામૂલ્યે સાયકલો આપવામં આવી. યુવાનોનેમાં કૌશલ્ય અને જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે કૌશલ્યવર્ધન ક્ષેત્રે આંકલાવ ખાતે રૂા.૨૩ કરોડના ખર્ચે આઇ.ટી.આઇ.નું આધુનિક ભવન તૈયાર કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું.


મંત્રીશ્રીએ પ્રજાની સુવિધા અને સરળતા માટે જિલ્લામાં રૂા.૧૩ કરોડના ખર્ચે વહીવટી સંકુલ, રૂા. ૧૪ કરોડના ખર્ચે જિલ્લા પંચાયત ભવન, બોરસદ ખાતે તાલુકા પંચાયત અને આઇ.ટી.આઇ.ભવનોના નિર્માણ કરવામાં આવ્યા હોવાનું જણાવી રૂા. ૬.૭૯ કરોડના ખર્ચે આર.ટી.ઓ. ભવન આકાર લઇ રહ્યું હોવાનું જણાવી વિદ્યાનગર ખાતે આદર્શ નિવાસી શાળા રૂા. ૧૪.૯૪ કરોડ, સરકારી પી.જી. છાત્રાલય માટે રૂ. ૬૪૫ લાખ, કુમાર છાત્રાલયો માટે રૂ. ૬૫૫ લાખ તેમજ રસ્તાઓ પહોળા કરવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લામાં પેયજળ માટે ૩૫૫ ગામોમાં પાણી સમિતિ દ્વારા રૂ. ૫૬૮૮ લાખના ખર્ચે ૩૬૬ જેટલી પાણી પુરવઠા યોજના સાકાર થઇ જયારે રૂ. ૯૩૭ લાખના ખર્ચવાળી ૩૩ યોજનાઓ પ્રગતિ હેઠળ છે. જયારે ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની સુવિધાઓમાટે રૂા. ૨૦ કરોડના ખર્ચે પ્રવાસન સ્થળોને વેગ અપાશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂા. સાત કરોડના ખર્ચે વિકસાવવાનું નકકી કરવામાં આવ્યું હોવાનું મંત્રીશ્રી પટેલે કહ્યું હતું.

મંત્રીશ્રીએ અનુસૂચિત જાતિ કલ્યાણ માટે ગત વર્ષે રૂ. ૩૧ કરોડ અને ચાલુ વર્ષે રૂ. ૯.૧૨ કરોડનો ખર્ચે કરવામાં આવશે. ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ ૫૭ લાભાર્થીઓને રૂા. પ.૬૫ લાખની સહાય  આપવામાં આવી છે. મા અન્નપૂર્ણા યોજના હેઠળ કુલ ૧૩,૭૦,૩૯૧ વ્યકિતઓને લાભ આપવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જિલ્લામાં ૪૦ હજાર ગરીબ પરિવારની મહિલાઓને રસોઇ ગેસ જોડાણ અપાયા છે. ઉપરાંત જિલ્લાની નગરપાલિકાઓના વિકાસ કામટે રૂા. ૨૭૫ લાખ, આણંદ, ઉમરેઠ, આંકલાવ, સોજિત્રા, તારાપુર તાલુકાઓના ગ્રામિણ વિકાસ માટે રૂા. ૫૦૦ લાખની ફાળવણી કરવામાં આવી હોવાની વિગતો આપી હતી.

શ્રી પટેલે જિલ્લામાં મુખ્ય મંત્રી અમૃતમ યોજના હેઠળ ૬૮,૯૩૧ ગરીબ લાભાર્થીઓને કાર્ડ આપવામાં આવ્યા હતા જે પૈકી ૩૮૮૦ લાભાર્થીઓએ આ યોજના હેઠળ સારવાનો લાભ લીધો છે. આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શાળાઓના ૧૭૮૩ બાળકોને ખાસ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જયારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ૯૭,૪૨૯ પરિવારોને શૌચાલયની સુવિધા પૂરી પાડવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

જિલ્લામાં મિશન મંગલમ યોજના હેઠળ ગ્રામ્ય મહિલા સંગઠનોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ પેટે રૂા. ૩૧૮.૭૮ લાખ અને ૧૨૮૦ મહિલા સ્વ સહાય જૂથોને રૂ. ૭.૭૫ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે. જયારે વાયબ્રન્ટ ગુજરાત અન્વયે વૈશ્વિક રોકાણ પરિષદમાં આણંદ જિલ્લામાં ૧૪૨ એમ.ઓ.યુ. અન્વયે રૂા. ૧૪૫ કરોડના રોકાણ થકી ૧૭૬૯ માનવ રોજગારી પ્રાપ્ત કરાવવામાં આવી હોવાની મંત્રીશ્રી પટેલે વિગતો આપી હતી.

શ્રી પટેલે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ૭૦૬૧ લાભાર્થિઓને રૂ. ૭૧૭૨ લાખનું માતબર ધિરાણ આપવામાં આવ્યું છે તેમ જણાવી આણંદ નજીક નાવલીમાં રૂા. ૭૨ કરોડના ખર્ચે ૧૫૦ બેડની સુવિધાયુકત સિવિલ હોસ્પિટલ આકાર પામી રહી હોવાનું કહ્યું હતું.

વડાપ્રધાન તરીકે ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીએ માત્ર ૧૭ દિવસમાં નર્મદા ડેમના દરવાજા માટે મંજૂરી આપી, ક્રુડ રોયલ્ટી માટે રૂ. ૮૩૯૨ માટે ૧૩મા નાણાં પંચમાં રાજયો માટેનો ફાળો ૪૨ ટકા કર્યો, પ્રધાનમંત્રી ફસલ યોજના અન્વયે ગુજરાતને એપ્રિલ-૨૦૧૬થી રૂા. ૧૦૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી તેમજ ૨૧૭૨ કિ.મી.ના રાજય ધોરી માર્ગોને રાષ્ટ્રીય ધોરી માર્ગો તરીકે મંજૂર કરવામાં આવ્યા હોવાની મંત્રીશ્રી પટેલ જાણકારી આપી હતી.

રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ૧૪૦૫ કરોડના ખર્ચે ગ્રીન ફીલ્ડ એરપોર્ટનું નિર્માણ જેવા નિર્ણયો રાજયો માટે મહત્વનાં સાબિત થઇ રહ્યાં છે તેમ જણાવી મંત્રીશ્રીએ ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં જનહિત માટે પરિણામલક્ષી નિર્ણયો લીધા છે. સેવા સેતુના માધ્યમથી નાગરિકોને સીધી સ્પર્શતી ૧૭ જેટલી બાબતોમાં એક કરોડ લોકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત  રૂા. ૩૦૦૦ હજાર કરોડની મગફળી અને તુવેર ટેકાના ભાવે ખરીદ કરવામાં આવી હોવાનું જણાવી ગુજરાત સરકારે માત્ર રૂા. ૧૦/- માં શ્રમિકો માટે ભોજન ઉપલબ્ધ કરાવ્યું છે. રાજકોગમાં ૧૮૫૧૫ દિવ્યાંગ લાભાર્થીઓને રૂા. ૧૨.૫૦ કરોડના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના વિસ્તારો નવપલ્લવિત થઇ રહ્યાં છે. જે યોજના દ્વારા ૧૧૫ ડેમોમાં પાણી ભરાશે, ૧૧૨૬ કિ.મી. પાઇપલાઇનથી ૧૦ લાખ એકર ઉપરાંતના વિસ્તારને લાભ મળશે અને રૂા. ૧૩૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે પ.૬૦ લાખ એકર જમીનને સિંચાઇની સુવિધા પ્રાપ્ત થશે તેમ કહ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્રના અલગ-અલગ ૧૩ વિભાગોએ વિવિધ યોજનાકીય જાણકારી આપ્તા ટેબ્લોનું નિદર્શન રજૂ કર્યું હતું. જયારે શાળાના બાળકોએ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ તંત્રએ પરેડ તેમજ અશ્વ અને ડોગ શો રજૂ કરીને ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. જયારે જિલ્લાના રમતવીરો કે જેઓએ જિલ્લા-રાજય-રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમત-ગમત ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરેલ છે તેવા રમતવીરોનું તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરનાર પોલીસ સેવા કર્મી શ્રી સાકરદાન ગઢવીનું પ્રમાણપત્ર આપીને જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરને રાજય કક્ષાએ પેટલાદ નગરપાલિકાએ કરેલ સુંદર કામગીરી બદલ મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર ડૉ. ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમીતપ્રકાશ યાદવ, જિલ્લા પોલીસ વડા શ્રી મકરંદ ચૌહાણ, અધિક કલેકટરશ્રી, પેટલાદના પ્રાંત અધિકારીશ્રી હિંમતસિંહ ગઢવી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સ્વાતંત્ર્ય સેનાનીઓ, પેટલાદ નગરપાલિકાના નગરસેવકો, અગ્રણીઓ, સામાજિક-સેવાભાવી-સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપી સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યો હતો.

ફોટો ગેલેરી