શ્રવણ વિદ્યાધામ - ભરૂચ ખાતે તેજસ્‍વી તારલા અને ઉત્‍કૃષ્‍ઠ રમતવીરોનો સન્‍માનનો કાર્યક્રમ અધ્‍યક્ષસ્‍થાને યોજાયો

Published: January 12 2018

અજીત એજ્‍યુકેશનલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રવણ વિદ્યાધામ - ભરૂચ ખાતે આજે યુવા દિનની ઉજવણી તેજસ્‍વી તારલા અને ઉત્‍કૃષ્‍ઠ રમતવીરોના સન્‍માનનો કાર્યક્રમ સહકાર, રમતગમત, સાંસ્‍કૃત્તિક તથા વાહન વ્‍યવહાર વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નૈષધભાઇ મકવાણા, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીયા, ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખશ્રી પ્રવિણસિંહ રણા, નંદેલાવ ગ્રામપંચાયતના સરપંચશ્રી રતિલાલભાઇ ચૌહાણ, શાળાના ટ્રસ્‍ટીશ્રી કિરણભાઇ બીનીવાલે ઉપસ્‍થિત રહ્‍યા હતા.

આ પ્રસંગે ધોરણ - ૧૦ અને ૧૨ ના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન, શ્રેષ્‍ઠ વિદ્યાર્થી - ૨૦૧૭-૧૮ એવોર્ડ, રમતગમત ક્ષેત્રે વિજેતા ખેલાડીઓનું ટ્રોફી અને મેડલ ધ્‍વારા સન્‍માન, શાળાની ક્‍વીઝ સ્‍પર્ધામાં પ્રથમ આવવા બદલ સન્‍માન અને સંસ્‍થાના ટ્રસ્‍ટીશ્રી કિરણભાઇનું પદયાત્રા નિમિત્તે સન્‍માન મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ તથા મહાનુભાવોના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

કાર્યક્રમનું દિપ પ્રગટાવી ઉદઘાટન બાદ અધ્‍યક્ષસ્‍થાનેથી બોલતાં સહકાર, રમતગમત, સાંસ્‍કૃત્તિક તથા વાહન વ્‍યવહાર વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે સમગ્ર વિશ્વમાં ભારત રાષ્‍ટ્રના સનાતન ધર્મની ઝાંખી કરાવનાર યુગ પુરૂષ સ્‍વામી વિવેકાનંદની ૧૫૬ મી જન્‍મ જયંતિના પરિપ્રેક્ષ્યમાં આયોજીત કાર્યક્રમ પ્રસંગે ઉપસ્‍થિત સૌ વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવતાં જણાવ્‍યું હતું કે, આજના અતિ વ્‍યસ્‍ત સમયમાં મન અને શરીરને હળવું રાખવા રમત, યોગ કે વ્‍યાયામ સિવાય બીજો કોઇ વિકલ્‍પ નથી ત્‍યારે શ્રવણ વિદ્યાધામ ધ્‍વારા રમતગમતક્ષેત્રે સુંદર દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્‍માનવાના આ કાર્યક્રમ થકી આવનારી ભાવિ પેઢીને પ્રેરણા અને પ્રોત્‍સાહન મળશે તેમણે ઉમેર્યું હતું કે, રમતગમતથી જીવનમાં સાહસ, મૈત્રી, સંઘભાવ, સંપ, એકતા, ભાઇ ચારો જેવા ગુણોનો વિકાસ થાય છે. જે માનવીના જીવન વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે. તેમણે એમ પણ કહ્‍યું હતું કે, શાળાએ ભાવિ પેઢી અને ભવિષ્‍યનું ઘડતર કરે છે. પૂર્વ મુખ્‍યમંત્રી અને વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ખેલમહાકુંભનું આયોજન કરીને સમગ્ર દેશમાં ખેલકૂદના ક્ષેત્રે એક સિમાચિન્‍હ અંકિત ર્ક્‍યું છે ત્‍યારે આવનારા સમયમાં આજ વિદ્યાર્થીમાંથી કોઇ સારો રમતવીર બને તેવી આશા સેવી હતી.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નૈષધભાઇ મકવાણાએ પ્રાસંગિક ઉદબોધનમાં સ્‍વામી વિવેકાનંદની વાતો અનેક દ્રષ્‍ટાંતો સાથે જણાવી વિદ્યાર્થીઓને જીવનમાં એકાગ્રતા કેળવવા પર ખાસ ભાર મુક્‍યો હતો. શ્રવણધામની વિદ્યાર્થીની સૃષ્‍ટિ ચૌહાણે ૧૨ મી જાન્‍યુઆરી સ્‍વામી વિવેકાનંદની જન્‍મ જયંતિ અને યુવા દિન નિમિત્તે સ્‍વામી વિવેકાનંદના જીવનની વાતો જણાવી મનનીય પ્રવચન ર્ક્‍યું હતું.
આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સંઘના પ્રમુખશ્રી કિરિટસિંહ મહિડા, શ્રી સુરેશભાઇ આહિર, શ્રી સુનિલભાઇ મિષાી, શાળાના ટ્રસ્‍ટીશ્રી વૈભવ બિનીવાલે, આચાર્યશ્રી સુનિલભાઇ ઉપાધ્‍યાય, ભારતીબેન પટેલ, સુમનમેડમ તથા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્‍યા હતા.

ફોટો ગેલેરી