નારાયણ વિદ્યાલય - ભરૂચ ખાતે ૧૦૦૦ વિવિધ વિષયોમાં પ્રયોગો, મોડેલ્‍સ જેવા પ્રોજેક્‍ટનું ભવ્‍ય પ્રદર્શન યોજાયું.

Published: January 12 2018

ભરૂચની શક્‍તિનાથ સર્કલ વિસ્‍તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ધ્‍વારા પ.પૂ. નારાયણબાપુના આશ્રમમાં ધોરણ-૪ થી ૧૧ વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્‍ય પ્રવાહ(ગુજરાતી અને અંગ્રેજી માધ્‍યમ) ના વિદ્યાર્થીઓ ધ્‍વારા સ્‍વનિર્મિત પ્રયોગો, મોડેલ્‍સ જેવા પ્રોજેક્‍ટના ૧૦૦૦ વિવિધ વિષયોમાં યોજાયેલા ભવ્‍ય પ્રદર્શનનું સહકાર, રમતગમત, સાંસ્‍કૃત્તિક તથા વાહન વ્‍યવહાર વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે રીબીન કાપીને ખુલ્લું મૂક્‍યું હતું. આ પ્રસંગે જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નૈષધભાઇ મકવાણા, આચાર્ય સંઘના પ્રમુખશ્રી પી.ડી.રાણા, શાળાના ચેરમેનશ્રી હેમંતભાઇ પ્રજાપતિ ઉપસ્‍થિત રહ્‍યા હતા.

સહકાર, રમતગમત, સાંસ્‍કૃત્તિક તથા વાહન વ્‍યવહાર વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ભવ્‍ય પ્રદર્શનની વિવિધ કૃતિઓને નિહાળી કૃતિ સંદર્ભે વિદ્યાર્થીઓ સાથે જરૂરી વાર્તાલાપ કરી પ્રોત્‍સાહન પુરૂં પાડયું હતું. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓ ધ્‍વારા વિષય વસ્‍તુની સમજ કેળવી પોતાની સમજને સુંદર રીતે રજૂ કરેલ છે તેને બિરદાવતાં કહ્‍યું હતું કે, વિદ્યાર્થીઓમાં સંશોધાત્‍મક અને સર્જનાત્‍મક ગુણો ખીલે તે હેતુસર શાળા ધ્‍વારા જે આયોજન થયું છે તે ખરેખર પ્રસંશનીય છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નૈષધ મકવાણાએ પ્રાસંગિક ઉદબોધન કરી શાળાના કાર્યને બિરદાવ્‍યું હતું. શાળાના આચાર્ય ર્ડા. ભગુભાઇ પ્રજાપતિએ શાળા ધ્‍વારા નવતર પ્રયોગ હાથ ધરી વિદ્યાર્થીઓમાં આત્‍મસૂઝ કેળવવાના કરેલા પ્રયાસની વિગતો વર્ણવી હતી આ પ્રોજેક્‍ટ પ્રદર્શનમાં એમિટી. બી.એડ કોલેજ, મુનશી બી.એડ. કોલેજ ઉચ્‍ચકારકિર્દી ધરાવતાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા વિવિધ શાળાના શિક્ષકો થઇ કુલ-૭૦ જેટલાં નિર્ણાયકશ્રીઓ વિદ્યાર્થીઓની વ્‍યક્‍તિગત મુલાકાત લઇ તેમના પ્રોજેક્‍ટના મુલ્‍યાંકનો કરવાની સેવાઓ બજાવી હતી. આ કાર્યક્રમના કન્‍વીનરશ્રી અલ્‍પેશભાઇ પટેલ, શ્રીમતી વંદનાબેન દવે, કૌશિકભાઇ મિષાી, શિતલબેન મહીડા, ઉર્વશીબેન જાની અને વિદ્યાબેન રાણાએ આયોજનની કામગીરી સંભાળી હતી.

આ પ્રસંગે વડોદરા મ્‍યુનિસિપલ ડેપ્‍યુટી કમિશનરશ્રી પંકજભાઇ ઔંધિયા, બોર્ડ સભ્‍યશ્રી કિરિટસિંહ મહિડા, સુરેશભાઇ આહિર, અશોકભાઇ બારોટ, ટ્રસ્‍ટીશ્રી શાંતિલાલ સુરતી, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્‍યા હતા.

ફોટો ગેલેરી