ભરૂચ ખાતે ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત કિસાન કલ્‍યાણ મહોત્‍સવ-૨૦૧૮ કાર્યક્રમ યોજાયો

Published: May 02 2018

ભરૂચઃ(બુધવાર):- ગ્રામ સ્‍વરાજ અભિયાન ઉજવણી અંતર્ગત રાજ્‍યના દરેક તાલુકાઓમાં કિસાન કલ્‍યાણ મહોત્‍સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. જેના ભાગરૂપે ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે કિસાન કલ્‍યાણ મહોત્‍સવ-૨૦૧૮ નો કાર્યક્રમ સહકાર વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષપણા હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય કરી સમારંભના અધ્‍યક્ષસ્‍થાનેથી મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, કૃષિ મહોત્‍સવ જેવા કાર્યક્રમોના માધ્‍યમથી ખેડૂતો મહત્તમ ઉત્‍પાદન મેળવતાં થયા છે. ખેડૂત આધુનિક ખેત પધ્‍ધતિ અપનાવે અને મહત્તમ ખેત ઉત્‍પાદન મેળવે તે માટે કૃષિ મહોત્‍સવ જેવા કાર્યક્રમોથી પુરતી જાણકારી ખેડૂતોને આપવામાં આવે છે. તેમણે રાજ્‍ય સરકારે ખેડૂતો માટે લીધેલા નિર્ણયોની વિગતો માહિતી આપી કહ્‍યું હતું કે, ખેડૂતો ટપકસિંચાઇ પધ્‍ધતિનો ઉપયોગ કરી કરકસરયુક્‍ત પાણીનો વપરાશ કરી મહત્તમ ખેત ઉત્‍પાદન મેળવવા ઉપસ્‍થિત ખેડૂતોને અનુરોધ ર્ક્‍યો હતો. મંત્રીશ્રીએ ખેતીવાડી શાખાની અનેકવિધ યોજનાઓની વિગતે મહત્તમ લાભ લેવાની સાથે પશુપાલન વ્‍યવસાય તરફ આગળ વધવા ખેડૂતોને અનુરોધ ર્ક્‍યો હતો.


ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલે કૃષિ મહોત્‍સવની શરૂઆત અને તેના પરિણામોની માહિતી આપી આધુનિક ખેતપધ્‍ધતિ અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. જમીનનું પૃથક્કરણ કરાવી સોઇલ હેલ્‍થ કાર્ડની કામગીરી પણ રાજ્‍ય સરકારે હાથ ધરી છે તેમ જણાવી સોઇલ હેલ્‍થ કાર્ડ દરેક ખેડૂત પાસે હોવું જોઇએ. સાથે અનાજમાં પેસ્‍ટીસાઇડનું પ્રમાણ વધ્‍યું છે તે બાબતે પણ તેમણે ચિંતા વ્‍યક્‍ત કરી હતી.


મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે કૃષિ પ્રદર્શનને ખુલ્લું મુકી નિરીક્ષણ ર્ક્‍યું હતું. આ પ્રસંગે ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ક્ષિપ્રા આગ્રે તથા માનુભાવોએ પણ પ્રદર્શનનું નિરીક્ષણ ર્ક્‍યું હતું. ઝઘડીયાના પરમાર ધર્મેન્‍દ્રસિંહ પ્રવિણસિંહ, મંગલેશ્વરના પટેલ અરવિંદભાઇ હરીભાઇ, કરગટના પાટણવાડીયા મનોજભાઇ કરસનભાઇ, ડભાલીના પટેલ જીગરભાઇ પરાગભાઇ અને બાબાભાઇ ચતુરભાઇને બેસ્‍ટ આત્‍મા ફોર્મ એવોર્ડ ચેક અને શિલ્‍ડ - પ્રમાણપત્ર મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યા હતા.


કૃષિ વૈજ્ઞાનિકો ધ્‍વારા ખેડૂત ખેતી કરી વધારે ઉત્‍પાદન મેળવે તેમજ રાજ્‍ય સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ, ખેડૂત આઇ પોર્ટલ અંગે પણ વિશેષ જાણકારી આપવામાં આવી હતી.
પ્રારંભમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જે.જી.ભટ્ટે સ્‍વાગત પ્રવચન ર્ક્‍યું હતું. આ પ્રસંગે સફળ ખેડૂતો સર્વશ્રી ધિરેન્‍દ્રકુમાર ભાનુભાઇ દેસાઇ તથા ધમેન્‍દ્રસિંહ પ્રવિણસિંહ પરમારે ખેતીક્ષેત્રે સાધેલી પ્રગતિ અંગે પોતાના પ્રતિભાવ આપ્‍યા હતા.


આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી પ્રફુલ્લાબેન દૂધવાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી ગામીત, કૃષિ કોલેજના પ્રિન્‍સીપાલશ્રી કે.જે.પટેલ, ઇનચાર્જ ડીએફઓ ભાવનાબેન દેસાઇ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જે.જી.ભટ્ટ જિલ્લા આગેવાનશ્રી યોગેશભાઇ પટેલ, મારૂતિસિંહ અટોદરીયા, નાયબ ખેતી નિયામકશ્રી પી.એસ.રાવ, બાગાયત નિયામકશ્રી, કૃષિ તજજ્ઞો, પ્રગતિશીલ ખેડૂતો, આગેવાન પદાધિકારીઓ, ખેતીવાડી સ્‍ટાફ અને ખેડૂતો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્‍યા હતા..

ફોટો ગેલેરી