ગૌરવ દિનની ઉજવણીના અવસરે અંકલેશ્વર ખાતે રૂ. સાત કરોડના વિકાસ પ્રકલ્‍પોનું લોકાર્પણ/ખાતમૂહુર્ત કરતા નાયબ મુખ્‍યમંત્રી

Published: May 01 2018

ભરૂચઃ(સોમવાર):- ૧ લી મે ના રોજ ભરૂચમાં ગુજરાત સ્‍થાપના દિનની રાજયકક્ષાની ઉજવણીના ઉપલક્ષ્યમાં અંકલેશ્વર ખાતે નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના હસ્‍તે રૂ.સાત કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્‍પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ સંપન્ન થયું હતું.


લોકાર્પણ કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, નવી પેઢી એ વાતથી કદાચ અજાણ હશે કે મહારાષ્‍ટ્રમાંથી અલગ થવા માટે મહાગુજરાત આંદોલનમાં અનેક નવલોહિયા યુવાનોએ પોતાના પ્રાણોની આહૂતિ આપી શહીદી વહોરી હતી. ત્‍યારે આપણને ગુજરાત રાજય મળ્‍યું હતું. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી માત્ર પ્રાસંગિક ન રહેતા સંબંધિત જિલ્લામાં ૧લી મેની ઉજવણીની સાથે ગામે-ગામ કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ ધરીને વિકાસોન્‍મુખ શાસનના દર્શન કરાવવાની એક ઉમદા પરંપરા સ્‍થાપિત કરી હોવાનું તેમણે ગર્વભેર જણાવ્‍યું હતું.


નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઈ પટેલે ભાડભૂત બેરેજ પ્રોજેક્‍ટની તમામ પ્રકારની ઔપચારિક મંજૂરીઓ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે, લોકમાતા નર્મદાના વહી જતા પાણીને ભાડભૂત બેરેજ રોકીને ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, વાગરા સહતિના વિસ્‍તારોમાં નર્મદાના પાણી સિંચાઇ-પીવા માટે પહોચાડવા સરકારે બહુઆયામી આયોજન કર્યુ છે. નર્મદાના પટની ખારાશ દૂર કરવા, પીવાનું મીઠું પાણી અને ખેતી માટે સિંચાઈનું પાણી ઉપલબ્‍ધ થતાં આ વિસ્‍તારની વર્ષોની પાણીની સમસ્‍યા દૂર થશે. શ્રી પટેલે ટૂંક સમયમાં જ આ પ્રોજેક્‍ટનો લાભ આ વિસ્‍તારની પ્રજાને મળશે એવો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો. આ વર્ષે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીની તક ભરૂચ જિલ્લાના નાગરિકોને મળી છે, ત્‍યારે તમામ નાગરિકોને ૧લી મેની ઉજવણીમાં ઉત્‍સાહભેર જોડાવા શ્રી પટેલે આહ્‍વાન કર્યું હતું.


રાજ્‍યના રમતગમત સહકાર અને યુવા પ્રવૃત્તિ વિભાગના રાજ્‍યમંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્‍યું હતું કે, ગુજરાત સ્‍થાપના દિનની ઉજવણી ભરૂચ જિલ્લામાં યોજાઈ રહી છે, એ આપણા માટે સૌભાગ્‍યની ક્ષણ છે. ગુજરાત ગૌરવ દિવસના આ અવસરથી જિલ્લાને કરોડો રૂપિયાની વિકાસકાર્યોની ભેટ મળતા વિકાસની નવી દિશા મળી છે. ગત દિવસોમાં રૂ.૪૦૦ કરોડના માતબર ખર્ચે સિંચાઈ માટે નહેરોનું નેટવર્ક બિછાવીને કેળા, શેરડી અને શાકભાજી પકવતા ખેડૂતો માટે રાજ્‍ય સરકાર તારણહાર બની છે. તેમણે ૧લી મે ના રોજ પીવાના પાણી માટેની ચાર મહત્‍વાકાંક્ષી યોજનાઓનો શુભારંભ થશે એવી પણ જાહેરાત કરી રાજય સરકાર દ્વારા આ વિસ્‍તારમાં થયેલા વિકાસ કામોની ઝાંખી કરાવી હતી.
શ્રી નીતિનભાઈ પટેલના હસ્‍તે અંકલેશ્વરના ઐતિહાસિક મહત્‍વ ધરાવતા રામકુંડનો રૂ.૩૨ લાખના ખર્ચે જીર્ણોદ્ધાર, રૂ. ૯૨ લાખના ખર્ચે દીવા રોડ ઉપર વરસાદી ગટરલાઈન, રૂ.૨.૨૦ કરોડના ખર્ચે વિવિધ રસ્‍તાના નિર્માણના કામોનું ખાતમૂહુર્ત તેમજ રૂ.૧૨ લાખના ખર્ચે જવાહર બાગ સામે સ્‍ટેચ્‍યુ પાર્ક, ભરૂચી નાકા પાસે નવનિર્મિત ટ્રાફિક સર્કલ, રૂ. ૩.૦૮ કરોડના વિવિધ સાકાર થયેલા રસ્‍તાના કામો અને નિરાંતનગર ડ્રેનેજ લાઈનનું લોકાર્પણ સંપન્ન થયું હતું.


કાર્યક્રમના પ્રારંભે શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્‍વાગત ગીત અને સાંસ્‍કૃતિક કૃતિઓ રજુ કરી સૌને મંત્રમુગ્‍ધ કર્યા હતા. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મીનાબેન પટેલે સ્‍વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા.


આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી કલ્‍પેશભાઈ મોદી, જિલ્લા કલેકટરશ્રી રવિકુમાર અરોરા, જિલ્લા પક્ષ પ્રમુખશ્રી યોગેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી પંકજભાઈ, અંકલેશ્વર પ્રાંતશ્રી ભગોરા સહતિ મોટી સંખ્‍યામાં નગરજનો ઉપસ્‍થિત રહયા હતાં.

ફોટો ગેલેરી