સુજલામ-સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત જિલ્લાનાં ભદામ, મોટા લીમટવાડા અને સાંજરોલી ગામોએ તળાવ ઉંડુ કરવાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

Published: May 04 2018

રાજપીપલા, શુક્રવાર – સમગ્ર રાજ્યમાં ગુજરાત સ્થાપના દિન-ગુજરાત ગૌરવ દિનથી પ્રારંભાયેલા સુજલામ-સુફલામ જળસંચયના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં હાથ ધરાયેલા જળસંચયના કામોનો જુદા જુદા તાલુકા અને ગામોમાં પ્રારંભ થયા બાદ આ અભિયાન નર્મદા જિલ્લામાં ક્રમશઃ આગળ ધપી રહ્યું છે.

ગુજરાતનાં સહકાર રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ગઇકાલે સાંજે નાંદોદ તાલુકાનાં ભદામ, મોટા લીમટવાડા અને ગરૂડેશ્વર તાલુકાનાં સાંજરોલી ગામે તળાવ ઉંડુ કરવાના સ્થળની મુલાકાત લઇ આ જગ્યાઓએ જેસીબી મશીનથી તળાવ ઉંડુ કરવાની થઇ રહેલી કામગીરીનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને સ્થળ ઉપર જિલ્લા પ્રશાસનનાં અધિકારીઓને તળાવની કામગીરી બાબતે જરૂરી સૂચનો કરવાની સાથે તળાવ ખોડાણની માટીના યોગ્ય ઉપયોગ સાથે તેનો નિકાલ થાય તે માટે સ્થળ પર જ જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

ગઇકાલે ભદામ અને મોટા લીમટવાડા ખાતેના ગામ તળાવ ઉંડુ કરવાના સ્થળની મુલાકાત વેળાએ જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, કરજણ સિંચાઇ યોજનાનાં કાર્યપાલક ઇજનેરશ્રી એ.એફ. મોતાવર, જિલ્લાનાં અગ્રણીશ્રી ઘનશ્યામભાઇ દેસાઇ, શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, શ્રી ભગવાનદાસ પટેલ, શ્રી કિરણભાઇ વસાવા તેમજ ગામનાં સરપંચશ્રી – ઉપસરપંચશ્રી પણ સાથે રહ્યાં હતાં. જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ જળસંચય અભિયાન અંતર્ગત જિલ્લામાં હાથ ધરાયેલી અને થઇ રહેલી કામગીરીની આંકડાકીય વિગતોથી મંત્રીશ્રી પટેલને વાકેફ કર્યાં હતાં.

ત્યારબાદ સહકાર રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ગરૂડેશ્વર તાલુકાનાં સાંજરોલી ગામે તળાવ ઉંડુ કરવાની થઇ રહેલી કામગીરીનાં સ્થળે પહોંચ્યા હતા, જ્યાં વન અને આદિજાતિ વિકાસ વિભાગનાં પૂર્વ રાજ્ય મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી લલિતાબેન તડવી પણ મંત્રીશ્રીની સાથે જોડાઇને તળાવ ઉંડુ કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત ગામના અગ્રણીઓ અને ગ્રામજનોએ મંત્રીશ્રી પટેલ સમક્ષ નર્મદા કેનાલનું પાણી ગામ તળાવમાં લાવવાની માંગણીની રજૂઆત કરી હતી. આ વિસ્તારમાં ઘણાં તળાવો એવા છે કે, જે નર્મદાની કેનાલની પંપીગ કર્યા વગર સહેલાઇથી ભરી શકાય છે, તેવી લાગણી ગામલોકોએ વ્યક્ત કરી હતી.

વન અને આદિજાતિ વિભાગનાં પૂર્વ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ નર્મદા કેનાલમાંથી ગામ તળાવમાં પાણી છોડવા અંગે ગામ લોકોની માંગણીમાં સૂર પૂરાવી નર્મદા જિલ્લામાં કરજણ-નર્મદાના કમાન્ડ એરીયા સિવાયનો અંદાજે ૭૫ ટકા જેટલા વિસ્તારના હયાત તળાવો પુનઃ જીવિત કરીને સંપૂર્ણપણે કાર્યક્ષમ બનાવ્યેથી આ વિસ્તારના લોકો માટે આશિર્વાદરૂપ બની રહેશે તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.

ફોટો ગેલેરી