દેડીયાપાડા તાલુકાના બેસણા, લાડવા, ગાજરગોટા અને મોસ્કુવા ગામોની મુલાકાત લઇ ગામ તળાવ ઉંડા કરવાની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

Published: May 05 2018

રાજપીપલા, શનિવાર – સમગ્ર ગુજરાતમાં રાજ્ય સ્થાપના દિનથી પ્રારંભાયેલા સુજલામ-સુફલામનું રાજ્યવ્યાપી જળ સંચય અભિયાન પ્રજાજનો, સામાજિક-સ્વૈચ્છિક-ધાર્મિક સંસ્થાઓ સહિત વિવિધ સંગઠનોની જનભાગીદારીથી આગળ ધપી રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ આ અભિયાન હેઠળ લોકસહયોગથી શરૂ થયેલા તળાવ ઉંડા કરવાના વિવિધ કામોની સહકાર રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ગઇકાલે સાંજે મુલાકાત લઇ જે તે ગામે થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી અમલીકરણ અધિકારીઓને સ્થળ ઉપર જ જરૂરી સૂચનાઓ આપી હતી.

સહકાર રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ગઇકાલે નર્મદા જિલ્લાની સતત બીજા દિવસે પણ લીધેલી મુલાકાત દરમિયાન બપોર બાદ દેડીયાપાડા તાલુકાના બેસણા, લાડવા, ગાજરગોટા અને મોસ્કુવા એમ કુલ- ૪ જેટલા ગામોની મુલાકાત લઇ આ ગામોમાં તળાવ ઉંડા કરવાની હાથ ધરાયેલી કામગીરી પ્રત્યક્ષ નિહાળી હતી.

સહકાર રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલની જળસંચયના કામોની આ મુલાકાત દરમિયાન દેડીયાપાડાના પ્રાંત અધિકારીશ્રી ડી.એન. ચૌધરી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી શંકરભાઇ વસાવા, અગ્રણીશ્રી રણજીતભાઇ ટેલર, તાલુકા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને જે તે ગામના સરપંચશ્રીઓ વગેરે સાથે જોડાયાં હતાં અને જે તે ગામમાં ગામ તળાવ ઉંડા કરવાની ચાલી રહેલી કામગીરીનો મંત્રીશ્રીને ખ્યાલ આપ્યો હતો.

સહકાર રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે નર્મદા જિલ્લાના ઉક્ત ગામોના તેમના પ્રવાસ દરમિયાન અંતિમ ચરણમાં મોસ્કુવા ગામે તળાવની કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ ગામ આગેવાનો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો અને મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગ્રામજનો – ખેડૂતોને પોતાના ટ્રેક્ટરમાં જેસીબી મશીનથી ખોદાણની માટી નિઃશુલ્ક ભરી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો ખેડૂતોને મહત્તમ લાભ લેવાની પણ મંત્રીશ્રીએ હિમાયત કરી હતી.  

ફોટો ગેલેરી