સાવલી, સેવાડા, વ્યાધર, સાંઢીયા, વાંસલા અને ઉમરવા (જોશી) ગામોએ ચાલી રહેલા તળાવ ઉંડા કરવાના જળ સંચયના કામોનું જાત નિરીક્ષણ.

Published: May 17 2018

સાવલી, સેવાડા, વ્યાધર, સાંઢીયા, વાંસલા અને ઉમરવા (જોશી) ગામોએ ચાલી રહેલા તળાવ ઉંડા કરવાના જળ સંચયના કામોનું જાત નિરીક્ષણ કરતાં સહકાર રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ
સાવલી ગામે ચાર ભાગમાં વહેંચાયેલા તળાવને એક જ મોટા-વિશાળ
તળાવમાં રૂપાંતર થાય તેવી મંત્રીશ્રી સમક્ષ ગ્રામજનોની રજૂઆત
મનરેગા હેઠળ શ્રમદાન કરી રહેલા શ્રમિકોને મંત્રીશ્રીએ છાસનું વિતરણ કરીને ખબર અંતર પૂછ્યા

રાજપીપલા, શુક્રવાર – ગુજરાતનાં સહકાર રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ગઇકાલે નર્મદા જિલ્લાનાં તિલકવાડા તાલુકાનાં સાવલી, સેવાડા, વ્યાધર તેમજ ગરૂડેશ્વર તાલુકનાં સાઢિયા, વાંસલા અને ઉમરવા (જોશી) ગામોએ સુજલામ-સુફલામ યોજના અંતર્ગત તળાવ ઉંડા કરવાની ચાલી રહેલી જળસંચયની કામગીરીનું નિરીક્ષણ કરી જે તે સ્થળ પર કામગીરી સંદર્ભે માર્ગદર્શનની સાથે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

સહકાર રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલનાં જળસંચયનાં આ કામોનાં નિરીક્ષણ પ્રવાસ દરમિયાન તિલકવાડા તાલુકામાં જિલ્લાનાં અગ્રણીશ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, શ્રી વલ્લભભાઇ જોશી અને શ્રી જયેશભાઇ પ્રજાપતિ સહિતના અગ્રણીઓ અને પદાધિકારીશ્રીઓ તેમજ ગરૂડેશ્વર તાલુકાનાં પ્રવાસ દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, ગરૂડેશ્વર તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખશ્રીમતી, જિલ્લા પંચાયતનાં સદસ્યશ્રી કિરણભાઇ વસાવા અને શ્રીમતી જશોદાબેન તડવી, મહિલા અગ્રણીશ્રી ભારતીબેન તડવી સહિત જિલ્લાનાં અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ વગેરે પણ મંત્રીશ્રીની સાથે જોડાયાં હતાં.

સાવલી ગામે વિશાળ જગ્યામાં ચાર ભાગમાં વહેંચાયેલા તળાવ ઉંડુ કરવાની કામગીરીના નિરીક્ષણ દરમિયાન સહકાર રાજ્ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ સમક્ષ તળાવનાં ચારેય ભાગને એકમાં જ રૂપાંતર કરીને ગામમાં વિશાળ-મોટુ તળાવ થાય તેવી રજૂઆત કરી હતી. સાવલી અને સેવાડા ગામોએ મનરેગા યોજના હેઠળ ચાલતા કામો ઉપર શ્રમદાન કરી રહેલા શ્રમિકોને છાસ વિતરણ કરી મંત્રીશ્રી પટેલે તેમના ખબર અંતર પૂછી કામના સ્થળે શ્રમિકોને પૂરી પડાતી સુવિધાઓ અંગેની જાણકારી મેળવી હતી. જળ સંચયનાં આ કામોને લીધે ગ્રામજનોને ઘરઆંગણે જ મળી રહેલી રોજગારી બદલ આ શ્રમિકોએ સંતોષ વ્યક્ત કરીને રાજ્ય સરકારના આ અભિગમને બિરદાવવાની સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

ફોટો ગેલેરી