તારીખ ૨૭ /૫/૨૦૧૮ ના રોજ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત વાગરા અને જંબુસર તાલુકાના ગામોમાં જળસંચય કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

Published: May 27 2018

સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે આજે વાગરા તાલુકાના વાવ અને જંબુસર તાલુકાના સરદારપુરા, ટંકારીબંદર, આસનવડ, ઠાકોરતલાવડી અને સિંધવ ગામોમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન – ૨૦૧૮ હેઠળ ચાલતા ગામ તળાવોની સુઉધારણા અને ઉંડા કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ભરૂચ જિલ્લામાં જળસંચય અભિયાન હેઠળ તળાવો ઉંડા કરવા, કેનાલો – કાંસની સફાઈ, ડીસીલ્ટીંગ સહિતના કામોની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જળસંચય – જળસંગ્રહના તમામ કામો ઝડપભેર પૂર્ણ કરવા સુચનાઓ આપી હતી.

જળસંચય અભિયાન પાણીનો સંગ્રહ વધારીને ગુજરાતને જળસમૃધ્ધ બનાવશે અને ખેડૂતો તથા ખેતી માટે ખુશહાલીના નવા ધ્વાર ખૂલશે એવી લાગણી વ્યક્ત મંત્રીશ્રીએ આ અભિયાન અભૂતપૂર્વ છે. મુખ્યમંત્રીશ્રીની દૂરંદેશી આ અભિયાન સાથે અભૂતપૂર્વ જનભાગીદારી જોડાઈ છે ત્યારે આ અભિયાનમાં સહયોગી બનવા જિલ્લાની સામાજિક સંગઠનો, ઔદ્યોગિક એકમો, નાગરિકોને અપીલ કરી હતી.

મંત્રીશ્રીએ ગ્રામજનોને સંબોધતાં વધુમાં ઉમેર્યું હતું કે, આ અભિયાન હેઠળ ૧૩ હજારથી વધુ તળાવોની ઉંડાઈ વધારવાની સાથે કેનાલો-કાંસની સફાઈ, ચેકડેમો સહિત અનેકવિધ કામો ચાલી રહ્યા છે જેના પગલે વરસાદનું પાણી જમીનમાં ઉતરશે અને તળાવો ઈત્યાદિની જળસંગ્રહ ક્ષમતા વધશે તેમ જણાવ્યું હતું.

મંત્રીશ્રીની વાગરા તાલુકાની મુલાકાત અવસરે આગેવાન કાર્યકરો શ્રી ફતેસિંહભાઈ ગોહિલ, ઈશ્વરભાઈ ગોહિલ, મારૂતિસિંહ અટોદરીયા તથા આગેવાન પદાધિકારીશ્રીઓ, જંબુસર તાલુકાની મુલાકાત અવસરે આગેવાન કાર્યકરો પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, શ્રી પ્રતાપભાઈ પરમાર, શ્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ, પ્રવિણસિંહ દુબે તથા આગેવાન પદાધિકારીશ્રીઓ, સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.      

ફોટો ગેલેરી