ધરમપુર ટીટુખડક ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાન-૨૦૧૮નું સમાપન.

Published: May 31 2018

સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮
=======
ધરમપુર ટીટુખડક ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાન-૨૦૧૮નું સમાપન
=====
પાણી એ પ્રભુતાને પ્રસાદ છે, તેનું જતન કરીએ- રાજ્‍ય સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ
=====
મા નર્મદાના નીરને શાસ્ત્રોક્‍ત વિધિ સાથે લાવરી નદીમાં જલાભિષેક કરાયો
======
 રાજ્‍ય સરકાર દ્વારા તા.૧લી મેથી શરૂ કરેલા સુજલામ સુફલામ અભિયાન-૨૦૧૮નું સમાપન ધરમપુર તાલુકાના પાનવા-ટીટુખડક ખાતે જનસાગરની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે નર્મદાના નીરથી ભરેલા કળશની પૂજા સાથે અગિયાર કુંભ સાથે ૧૦૮ યુગલોએ શાસ્ત્રોક્‍ત વિધિથી પૂજા કરીને પવિત્ર નર્મદાના નીરને લાવરી નદીમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલ સહિત મહાનુભાવોના હસ્‍તે વિસર્જન કરાયું હતું. જળ અભિયાનમાં સહભાગી સંસ્‍થાઓનું શાલ ઓઢાડી અને પ્રમાણપત્ર આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ અવસરે સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્‍યું હતું કે, પાણી એ પ્રભુતાને પ્રસાદ છે, તેનું જતન કરીએ. જળ એ જીવન છે, જીવસૃષ્‍ટિના અસ્‍તિત્‍વ માટે પાણી અનિવાર્ય છે, ત્‍યારે સમગ્ર ગુજરાતને આવનારા સમયમાં પાણીના સંકટથી ઉગારવા રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળસંચય અભિયાન શરૂ કરી જળસંચય માટે સમગ્ર રાજ્‍યમાં એક મહિના સુધી સતત કામગીરી કરવામાં આવી છે. જળસ્રોતોની જાળવણીનું કામ લોકભાગીદારીથી કરવામાં આવ્‍યું છે. ગુજરાતી આવતીકાલને હરિયાળી અને પાણીદાર બનાવવા માટે જળ અભિયાનને જન અભિયાન બનાવાયું છે. મંત્રીશ્રીએ સમગ્ર રાજ્‍યમાં ૧૩ હજાર તળાવો ઊંડા કરી ૧૧ હજાર લાખ ઘનમીટર પાણીનો સંગ્રહ કરવાની આશા વ્‍યક્‍ત કરી હતી. પાણીનો કરકસરયુક્‍ત ઉપયોગ કરવા, ખેતીમાં ડ્રીપ ઇરીગેશન સિંચાઇનો ઉપયોગ કરી જળસંચય અભિયાનમાં સહભાગી થવા સૌને અનુરોધ કર્યો હતો.

આ અવસરે મંત્રીશ્રીએ વલસાડ જિલ્લામાં જનભાગીદારીથી જળ સંચય અભિયાનમાં સ્‍વૈચ્‍છિક જવાબદારી ઉપાડી યોગદાન આપ્‍યું છે તે સહયોગી સંસ્‍થાઓએ ઉદાર હાથે આપેલા ફાળા બદલ આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી. તેમણે મનરેગા યોજનામાં બહેનોના સિંહફાળાની સરાહના કરી હતી. મંત્રીશ્રીએ આદિવાસી વિસ્‍તારોમાંથી તાલુકા કક્ષાએ ખેત ઉત્‍પાદન લઇ જવા માટે ખેડૂતોને વાહતુક એક ટનના પ૦૦ રૂપિયા સબસીડી આપવામાં આવે છે, જેનો લાભ લેવા જણાવ્‍યું હતું. ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકારે શરૂ કરેલા જળસંચય અભિયાનથી ભૂગર્ભ જળનો સંગ્રહ કરવા જનજાગૃતિ થકી ભગીરથ કાર્ય થયું હોવાનું જણાવ્‍યું હતું.

પારડીના ધારાસભ્‍ય કનુભાઇ દેસાઇએ અધિકારી-પદાધિકારીઓ સાથે સંકલન કરી વહીવટીતંત્ર દ્વારા કરાયેલી જળસંચયની કામગીરીને બિરદાવી હતી. જળસંકટને અવસરમાં ફેરવવા જળસંચયના કાર્ય કરવામાં આવ્‍યા હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું.જિલ્લા કલેક્‍ટર સી.આર.ખરસાણે જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રીશ્રીના વિચારને લોકોત્‍સવનું રૂપ આપવામાં આવ્‍યું છે. માતા મરણ અને બાળ મરણ અટકાવવા હોસ્‍પિટલમાં જ પ્રસુતિ કરાવવાની પ્રતિજ્ઞા લેવા અનુરોધ કર્યો હતો. કુપોષણ અટકાવવા માટે સારો ખોરાક લેવા જણાવ્‍યું  હતું. વર્તમાન સમયની માંગને પહોંચી વળવા જળસંચય એ જ માર્ગ છે. નદીત્‍વ અને પાણીત્‍વ સજીવન થાય એ માટેના સુજલામ સુફલામ જળયાત્રામાં સહભાગી થનાર સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

ધરમપુરના કથાકાર શરદભાઇ વ્‍યાસે પ્રાસંગિક ઉદબોધનમાં જળસંગ્રહ માટે સરકારની વિચારધારાને પ્રણામ કરતાં જણાવ્‍યું હતું કે, જળ એ અમૃત છે અને પાણી માટે હાલમાં કાર્ય ન કરીએ તો ભવિષ્‍યમાં મુશ્‍કેલી સર્જાઇ શકે છે, ત્‍યારે પાણી બચાવવાના સરકારના સંકલ્‍પને સાર્થક કરવા સૌને સહયોગ આપવા જણાવ્‍યું હતું. જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી જળ અભિયાનને જન અભિયાન બનાવવામાં સહકાર આપનાર સૌને આભાર વ્‍યકત કર્યો હતો. પ્રગતિશીલ ખેડૂતોએ તેમના વક્‍તવ્‍યોમાં રાજ્‍ય સરકારના જળસંચય અભિયાન થકી પાણીના સંગ્રહ થતાં ખેતીવાડીમાં ખૂબ જ ઉપયોગી નીવડશે તેમજ પીવાના પાણીનો પ્રશ્‍ન પણ હલ થશે, તેમ જણાવ્‍યું હતું.

વલસાડ જિલ્લામાં જળસંચય અભિયાન દરમિયાન રૂા.૧પ૨૯ લાખના ખર્ચે ૭પર કામો હાથ ધરવામાં આવ્‍યા હતા. આ કામોમાં ૧૧૭ તળા ઊંડા કરવા અને ૪૩ ચેકડેમ ડીસીલ્‍ટિંગના કામો લોકભાગીદારીથી હાથ ધરાયા હતા.મનરેગા હેઠળ ૩૮૨ કામો તેમજ ડિપાર્ટમેન્‍ટલ ૨૧૦ કામોનો સમાવેશ થાય છે. ૧લી મે થી શરૂ થયેલા જળસચય અભિયાનના શરૂઆતથી અંત સુધીની વિવિધ કામગીરીની તસવીરો સંકલિત કરીને તૈયાર કરવામાં આવેલા પ્રદર્શનને રાજ્‍ય સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ સહિત મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટર સી.આર.ખરસાણે જિલ્લામાં થયેલા જળસંચયના કામોથી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા.

જળસંચય અભિયાનના નોડલ અધિકારી એમ.કે.ચૌધરીએ આભારવિધિ આટોપી હતી.
આ અવસરે શાળાની બાળાઓએ પ્રાર્થના સ્‍વાગત ગીત તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્‍દ્રભાઇ ટંડેલ, વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ, વલસાડ અને ધરમપુર  તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સરપંચ શકુંતલાબેન, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્‍યક્ષશ્રી, ગ્રામજનો, અમલીકરણ અધિકારી-કર્મચારીઓ હાજર રહ્યા હતા.

ફોટો ગેલેરી