વિશ્વ દૂધ દિવસે કેન્દ્રિય કૃષિ રાજય મંત્રીશ્રીના હસ્તે ૨૧ શ્રેષ્ઠ ડેરી સંસ્થાઓને એનડીડીબી ડેરી ઇનોવેશન એવોર્ડ .

Published: June 01 2018

ડેરી ઉદ્યોગની પ્રગતિમાં દૂધ મંડળીઓએ પાયાની ભૂમિકા ભજવી છે.
શ્રી પરષોત્તમ રૂપાલા

 એમ્બ્રિયો પધ્ધતિ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતાં
ભારતના કેન્દ્રીય કૃષિ રાજય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા

આજે વિશ્વ દૂધ દિવસે કેન્દ્રિય કૃષિ રાજય મંત્રીશ્રીના હસ્તે ૨૧ શ્રેષ્ઠ ડેરી સંસ્થાઓને એનડીડીબી ડેરી ઇનોવેશન એવોર્ડ અને ૧૨ મહિલા વિસ્તરણ અધિકારીઓનું
મહિલા મહિલા સશકિતકરણમાં નમૂનારૂપ કામગીરી બદલ સન્માન કરાયું.


આણંદ – શુક્રવાર :: ડેરી ક્ષેત્રના ખેડૂતોએ ગ્રાહકોનો દૂધનો પુરવઠો પૂરો પાડવાના પ્રદાનની સાથે સાથે પોતાની રોજગારી જાળવી રાખવાની તાકાત હાંસલ કરી છે. સહકારી સંસ્થાઓએ પણ ખેડૂતોને વળતરદાયી રોજગાર આપવાની સાથોસાથ ખેડૂતોને બજારની નિકટ લાવવાનું કામ કર્યું છે. આમ ડેરી ઉદ્યોગની પ્રગતિમાં દૂધ મંડળીઓએ પાયાની ભૂમિકા ભજવી હોવાનું કેન્દ્રિય કૃષિ રાજય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું.

આજે આણંદ એન.ડી.ડી.બી. ખાતે વિશ્વ દૂધ દિવસ નિમિત્તે દેશની ઉત્તમ દૂધ ઉત્પાદક સહકારી સંસ્થાઓનું તેમણે કરેલ શ્રેષ્ઠ કામગીરી અને ડેરી પ્રવૃત્તિ દ્વારા મહિલા સશકિતકરણમાં નમૂનારૂપ કામગીરી કરનાર મહિલા વિસ્તરણ અધિકારીઓનું સ્મૃતિચિહન અને પ્રમાણપત્ર એનાયત કરતાં કેન્દ્રિય કૃષિ રાજય મંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલાએ ગુજરાતમાં દૂધની પ્રવૃત્તિ સૌથી સારી છે ત્યારે આંતરરાષ્ટ્રિય બજારમાં આ વ્યવસાયને ટકાવી રાખવાની પણ એટલી જ તાતી જરૂરિયાત જણાવી હતી.

શ્રી રૂપાલાએ પશુઆહાર માટે ગ્રામ્યસ્તર સુધી હજુ પણ વધુ જાગૃતિ લાવવાની જરૂરીયાત જણાવી પશુપાલકો કૃત્રિમ ગર્ભદાન તરફ વળે એ ઇચ્છનીય હોવાનું જણાવ્યું હતું. તેમણે પશુપાલકોને ગાયોની વૃધ્ધિ માટે એમ્બ્રિયો ગર્ભધાન પધ્ધતિ અપનાવવા અને તે પ્રતિ જાગૃતિ કેળવાશે તો તેમાં છાણિયું ખાતર અને ગૌમૂત્રના લાભો જણાવી તેના ફાયદા સમજાવ્યા હતા.
શ્રી રૂપાલાએ ઉત્પાદકોની માલિકીની અને તેમના દ્વારા નિયંત્રિત ડેરી સંસ્થાઓ, સંગઠિત ક્ષેત્રના હાલના તેમના દૂધના હિસ્સાનું વિતરણ કરે તો તે રોજગારની દ્રષ્ટિએ પણ ઘણું જ ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે. ઉત્પદકોની સંસ્થાઓ દેશના આર્થિક-સામાજિક વિકાસમાં પ્રદાન કરે અને સહકારી ક્ષેત્રના મૂળભૂત મૂલ્યોનું જતન- અને પાલન કરે તે માટે પશુપાલકોને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકી ગુણવત્તાનો વ્યાપ વધારવા કહ્યું હતું.

શ્રી રૂપાલાએ એનડીડીબી દ્વારા આજે વિશ્વ દૂધ દિવસ નિમિત્તે દૂધ ઉત્પાદકોની કામગીરીને બિરદાવવા શ્રેષ્ડ ડેરી સંસ્થાઓને એનડીડીબી ઇનોવેશન એવોર્ડઝ અને ડેરી પ્રવૃત્તિ દ્વારા મહિલા સશકિતકરણ માટે મહિલા વિસ્તરણ અધિકારીઓનું જે સન્માન કરવામાં આવી રહ્યું છે તે બદલ એનડીડીબીને અભિનંદન પાઠવ્યા હતા.
રાજયના સહકાર, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે સહકારી પ્રવૃત્તિઓની રૂપરેખા આપી સહકારી ક્ષેત્રે વિશ્વભરમાં અમૂલ બ્રાંડે જે રીતે નામના હાંસલ કરી છે તેજ રીતે બદલાતા જતા સમયમાં તમામ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરવો પડશે. ડેરી અને પશુપાલન ક્ષેત્રે પણ જયારે આમૂલ પરિવર્તન આવ્યું છે ત્યારે આ ક્ષેત્રે પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પરિવર્તન લાવી ગુણવત્તાયુકત વધુ ઉત્પાદન મેળવવું પડશે તેમ જણાવી દૂધાળા પશુઓનું આરોગ્ય જળવાઇ રહે તે જોવાની જરૂરિયાત ઉપર ભાર મૂકયો હતો. તેમણે એનડીડીબી દ્વારા મહિલા સશકિતકરણના ભાગરૂપે મહિલાઓને પ્રેરણા આપવાનું જે કાર્ય કર્યું છે તે ભવિષ્યમાં મહિલાઓની સહભાગીદારીમાં વધારો કરનારૂં બની રહેશે તેવી આશા વ્યકત કરી હતી.

રાજયના કૃષિ રાજય મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારે રાજય સરકારની કૃષિ અને પશુપાલન લક્ષી વિવિધ યોજનાઓની જાણકારી આપી આજના બદલાતા જતા વ્યવસાયિક જગતમાં ગ્રાહકોની બદલાતી જતી જરૂરિયાતોની સામે અનેક પડકારો આવી રહ્યાં છે ત્યારે તેમનો સામનો કરવા માટે પશુપાલકોને સક્ષમ બનાવવા પડશે. સ્પર્ધાત્મક યુગમાં પશુપાલકો ઉપર દબાણ વધી રહ્યું છે ત્યારે આ સ્પર્ધાત્મક યુગમાં પશુપાલકોના પશુઓને યોગ્ય સારવાર, આહાર મળી રહે તે જોવાનું જણાવી એવોર્ડઝ મેળવનાર અને સન્માનિત મહિલાઓને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે કેન્દ્રિય કૃષિ રાજય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા, રાજયના સહકાર, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, રાજયના કૃષિ રાજય મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર, સંસદસભ્ય શ્રી દિલીપભાઇ પટેલ અને રાજયસભાના સંસદસભ્યશ્રી લાલસિંહ વડોદિયાના હસ્તે દેશની શ્રેષ્ઠ ૨૧ સંસ્થાઓને ઇનોવેશન એવોર્ડ તથા ૧૨ મહિલા વિસ્તરણ અધિકારીઓનું પણ મહિલા સશકિતકરણમાં તેમની નમૂનારૂપ કામગીરી બદલ સ્મૃતિચિહન અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ પશુપાલન નિર્દેશિકા પુસ્તિકાનું વિમોચન કરી દૂધ ઉત્પાદકો પોતાનાં પશુઓની બહેતર મેનેજમેન્ટ, પોષણ, પશુઆહાર, ઘાસચારા અને પ્રિવેન્ટીવ હેલ્થ કેર દ્વારા સંભાળ રાખવા સજજ બને તે તરફ દિશા નિર્દેશ કર્યો હતો. આ ઉપરાંત શ્રી રૂપાલાએ એનડીડીબી દ્વારા નિર્મિત દૂધ અને દૂધની વપરાશને પ્રોત્સાહિત કરતી ટીવી કોમર્શિયલ (વિજ્ઞાપન)નું અને કૃત્રિમ વિર્યદાનના લાભ દર્શાવતી ફિલ્મનું ડીજીટલી વિમોચન કર્યું હતું.

એનડીડીબીના ચેરમેન શ્રી દિલીપ રથે પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતાં એનડીડીબી દ્વારા સૌ પ્રથમવાર ડેરી ઉદ્યોગ અને ખાસ કરીને ડેરી ક્ષેત્રની સહકારી સંસ્થાઓને ઇનોવેશન કરનારનું બહુમાન કરી રહી છે. તેમની કામગીરી વિશિષ્ટ છે તેમ કહ્યું હતું. તેમણે એનડીડીબી વણખડાયેલા પથને અનુસરે છે અને તેનો પ્રારંભકાળથી જ ડેરી ઉદ્યોગમાં ઘણાં ઇનોવેશનને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કર્યું છે જે પરંપરા ચાલુ રાખવામાં આવી છે.

શ્રી રથે એનડીડીબી દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓનો ચિતાર આપી એનડીડીબી દ્વારા વિકસાવાયેલ ફ્રી સોર્સ એપ્લિકેશન ગ્રામ્ય ડેરી સહકારી સંસ્થાઓને તેમની સમગ્ર કામગીરી ડીજીટાઇઝ મદદરૂપ કરી રહી છે. જેથી બિલની ચૂકવણી દૂધ ઉત્પાદકના બેન્ક ખાતામાં સીધી થઇ શકે, સોલર પંપ ઇરિગેટર્સ કો-ઓપરેટિવ એન્ટરપ્રાઇઝની રચના કરી ડેરી ક્ષેત્રના ખેડૂતોને વધારાની આવક પ્રાપ્ત થાય તે રીતે છાણિયા ખાતરનું વિકેન્દ્રિત મેનેજમેન્ટ કરવા તથા મહિલાઓએ કરવી પડતી મજૂરી ઘટાડવા તથા સ્વચ્છ ભારત અભિયાનને અનુસરીને વિકેન્દ્રિત બાયોગેસ પ્લાન્ટના પ્રયોગો તથા મધમાખી ઉછેરની પ્રવૃત્તિ મજબૂતપણે હાથ ધરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન શ્રી રામસિંહ પરમાર, જિલ્લા અગ્રણી શ્રી મહેશભાઇ પટેલ, એનડીડીબીના કાર્યપાલક નિર્દેશક શ્રી સંગ્રામભાઇ ચૌધરી સહિત એનડીડીબીના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ રાજયોની દૂધ મંડળીઓના સભ્યો, અગ્રણીઓ, દૂધ ઉત્પાદકો, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ફોટો ગેલેરી