ખેડૂતોની આવક બમણી કરવા વ્યૂહાત્મક ઉપાયો ઉપરની બે દિવસીય ચિંતન શિબિરને ખૂલ્લી મૂકતાં કેન્દ્રિય કૃષિ રાજય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા.

Published: June 01 2018

ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વળવાનો અનુરોધ કરતાં
કેન્દ્રિય કૃષિ રાજય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા

કોર્પોરેટ કોન્ટ્રાક ફાર્મિંગની જરૂરિયાત જણાવતાં
કેન્દ્રિય કૃષિ રાજય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા

ખેડૂતોની આવક બમણી કરવા વ્યૂહાત્મક ઉપાયો ઉપરની બે દિવસીય ચિંતન શિબિરને ખૂલ્લી મૂકતાં કેન્દ્રિય કૃષિ રાજય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા

આણંદ – શુક્રવાર :: ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ-૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખેલ છે ત્યારે આ લક્ષ્યાંકને સિધ્ધ કરવા ખેડૂતોને ખેતીને લગતું પાયાનું જ્ઞાન આપવું જરૂરી છે. ખેત ઉત્પાદનમાં વધારો કરીશું પણ જો તેના ખેત ઉત્પાદન ખર્ચમાં ઘટાડો નહીં કરીએ તો ખેડૂતોની આવક બમણી થશે નહીં માટે જ ઉત્પાદનની સાથોસાથ ખેતી ખર્ચમાં ઘટાડો કરીને ઉત્પાદનના લક્ષ્યાંકો હાંસલ કરવા પડશે. આ માટે વિશ્વમાં આજે ઓર્ગેનિક ખેતીનો જમાનો આવ્યો છે જેના તરફ વિશ્વ આગળ વધી રહ્યું છે ત્યારે કેન્દ્રિય કૃષિ રાજય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વળવાનો અનુરોધ કર્યો છે.

આજે આણંદ ખાતે રાજયના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે આણંદ કૃષિ યુનિવર્સિટીના બં.અ.મહાવિદ્યાલય ખાતે ખેડૂતોની આવક બમણી કરવા વ્યૂહાત્મક ઉપાયો ઉપરની બે દિવસીય ચિંતન શિબિરને ખૂલ્લી મૂકતાં કેન્દ્રિય કૃષિ રાજય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ ઉત્પાદનની સાથે આવકનું તત્વ જોડીને ખેડૂતોને કરવામાં આવેલા સંશોધનો અને તથ્યો પ્રતિ જાગૃત કરવા પર ભાર મૂકયો હતો.

શ્રી રૂપાલાએ બજાર સાથે બજાર વ્યવસ્થાપન ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ લાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂકી ખેત પેદાશોનું ઓનલાઇન વેચાણ કરવા પ્રેરિત કરવા સુચવ્યું હતું. તેમણે ખેતીના જોખમોને રક્ષણ આપવા પ્રધાનમંત્રી વીમા ફસલ યોજનાનો ઉલ્લેખ કરી ખેડૂતોના તળિયાના પ્રશ્નો, પડકારોનું વધુ સારી કેવી રીતે નિરાકરણ કરી સાચા અર્થમાં ખેડૂતોને લાભ આપી શકાય તેવી ભલામણો કરવા સુચવ્યું હતું.

શ્રી રૂપાલાએ નાના-સીમાંત ખેડૂતો નાના ખેતરમાં આધુનિક ખેતી કરી શકતા નથી ત્યારે ટૂંકા ક્ષેત્રફળ વાળા ખેડૂતોને ચિંતા કરવાની જરૂરિયાત પર ભાર મૂકી આજે વિશ્વમાં કોર્પોરેટ કોન્ટ્રાક ફાર્મિંગનો વ્યાપ વધી રહ્યો છે તેમ જણાવી કોન્ટ્રાકટ ફાર્મિંગની જરૂરિયાત જણાવી હતી.

શ્રી રૂપાલાએ જે સંશોધનો કરવામાં આવ્યા છે અને થઇ ગયાં છે તેનો મહત્તમ ઉપયોગ થાય તે માટેના પ્રયાસો કરવાની સાથે ડ્રીપ ઇરીગેશનની જરૂરિયાત જણાવી આ દિશામાં પણ પ્રયાસો કરવાનું જણાવી ચિંતન શિબિરમાં કોઇના સૂચનો રહી ન જાય તે જોવાનું જણાવી ઘણી વાર ઘણાં નાના-નાનાં દ્ર્ષ્ટાંતો અને સૂચનો ઉપકારક બનતા હોય છે તેમ કહ્યું હતું.
કૃષિ રાજય મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારે આ પ્રસંગે કિસાનોની આવક બમણી થાય તે માટે કેન્દ્ર/રાજય સરકાર સતત ચિંતીત છે તેમ જણાવી રાજય સરકારની કૃષિલક્ષી અને કિસાનોની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.

શ્રી જયદ્રથસિહજી પરમારે સજીવ ખેતીને પ્રોત્સાહિત કરવાની સાથોસાથ બાગાયત અને પશુપાલન ક્ષેત્રે પણ ખેડૂતોમાં જાગરૂકતા લાવવાની જરૂરિયાત સમજાવી ખેડૂતોને તેમની ખેતપેદાશોનું મૂલ્યવર્ધન, બજાર, બજાર વ્યવસ્થાપન, સ્ટોરેજ, સ્કીલ ડેવલોપમેન્ટ માટે પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત જણાવી હતી. તેમણે પાણી માટે સૌની યોજના કૃષિ પેદાશ માટે ઉપયોગી સાબિત તેમ જણાવી રાજયમાં ખેતી માટે આપવામાં આવેલ વીજ જોડાણની જાણકારી આપવાની સાથે ખેડૂતોને ટપક સિંચાઇ માટે આપવામાં આવતી સબસીડી અંગેની જાણકારી આપી ખેડૂતોને વર્તમાન યુગ સાથે તાલ મીલાવી જૂની પ્રણાલિકાઓમાંથી બહાર આવી ડ્રીપ ઇરીગેશન ક્ષેત્રે આગળ આવવા અનુરોધ કર્યો હતો.

અધિક મુખ્ય સચિવ ડૉ. સંજય પ્રસાદે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તરફથી ખેડૂતોની આવક વર્ષ-૨૦૨૨ સુધીમાં ડબલ કરવાના આપવામાં આવેલ આહવાન અંતર્ગત ગુજરાતમાં આ ક્ષેત્રે સારી પ્રગતિ થઇ હોવાનું જણાવી દરેક જિલ્લા માટે ઇન્ફાસ્ટ્રકચર અને પ્રગતિનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ખેડૂતો, સહકારી આગેવાનો, કૃષિ તજજ્ઞો અને અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ ભારત સરકારને મોકલી આપવામાં આવશે તેમ કહ્યું હતું. તેમણે રૂઢિગત આયોજનમાંથી બહાર આવી નૂતન ટેકનોલોજી તરફ વળવા સુચવ્યું હતું.

પ્રારંભમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન.સી.પટેલેએ સ્વાગત પ્રવચન કરતાં આણંદ કૃષિ યુનિવર્સિટીએ ચાલુ વર્ષે પણ કૃષિ યુનિવર્સિટીઓમાં પોતાનું સ્થાન ટકાવી રાખ્યું હોવાનું જણાવી ખારેકના વધુ ટીસ્યુ કલ્ચર ક્ષેત્રો સ્થપાય તે જોવાનું જણાવી ખેડૂતલક્ષી કામગીરીમાં ઘણા સારા પરિણામો આવી રહ્યાં હોવાનું જણાવી હજુ પણ કૃષિ ક્ષેત્રે નવા શિખરો સર કરવાના છે તેમાં તમામનો સહયોગ મળતો રહેશે તેમ જણાવી ચિંતન શિબિર દરમિયાન જે કોઇ સૂચનો આવશે તે સૂચનો રાજય/કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવશે તેમ કહ્યું હતું.
આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ અને મે. માર્ગોસા બાયોગ્રો ઇન્ડિયા પ્રા.લિ. વડોદા વચ્ચે જૈવિક ખાતર બયો એન.પી.કે. ટેકનોલોજી વચ્ચે આણંદ કૃષિ યુનિવર્સિટી વતી સંશોધન નિયામક ડૉ. કે. બી. કથીરિયા અને તાંત્રિકતાના વૈજ્ઞાનિક ડૉ.વ્યાસ તથા કંપનીના યુવા ડાયરેકટ કુ. અદિતિ માખરિયા તથા અન્ય ડાયરેકટરશ્રીઓ વચ્ચે કરાર કરવામાં આવ્યા હતા.
જે કરાર કરવામાં આવ્યા છે તે કરારથી ખેડૂતોને સરળતાથી જૈવિક ખાતર મળી રહેનાર છે જે કિંમતમાં સસ્તુ હોવાની સાથે રાસાયણિક ખાતર કરતાં ૨૫ ટકા બચત કરનારૂં અને ઓર્ગેનિક ફાર્મિંગ માટે ખાસ ઉપયોગી હોવાથી જમીનની તંદુરસ્તી જળવાશે તેટલું જ નહીં પણ ૮ થી ૧૦ ટકા ઉત્પાદનમાં પણ વધારો કરનારૂં બની રહેશે.

આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલના હસ્તે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ૨૦૦૪-૨૦૧૭ દરમિયાન કૃષિ ક્ષેત્રે વિવિધ સંશોધનોની વિગતો દર્શાવતી Varieties and Agricultural Technologies પુસ્તિકાનું અને Microbial Bioremediation – A Safeguard to Environment ફોલ્ડરનું વિમોચન કર્યું હતું. જયારે અંતમાં એનીમલ હસબન્ડરીના સેક્રેટરી શ્રી મહંમદ શાહીદે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે રાજયના સહકાર, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, સંસદસભ્ય શ્રી દિલીપભાઇ પટેલ, રાજયસભાના સંસદસભ્ય શ્રી લાલસિંહ વડોદિયા, અગ્રસચિવ

શ્રી સંજયનંદન, જૂનાગઢ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી એ.આર.પાઠક, કામઘેનુ યુનિવર્સિટીન વાઇસ ચાન્સેલર શ્રી વાટલિયા, જિલ્લા અગ્રણી શ્રી મહેશભાઇ પટેલ, ફીશરીઝના શ્રી સુધીર પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી અરૂણ પટેલ, પદ્મ શ્રી ઘેનાભાઇ, કૃષિ વૈજ્ઞાનિકો, ખેડૂતો, આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યપકો હાજર રહ્યા હતાં.

ફોટો ગેલેરી