અંકલેશ્વર નગરપાલિકા ધ્‍વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી.

Published: June 05 2018

પ્‍લાસ્‍ટીક મુક્‍ત શહેર વિષય પર સહકાર રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષસ્‍થાને સેમિનાર યોજાયો

-------

ભરૂચઃ(બુધવાર):- અંકલેશ્વર નગરપાલિકા સ્‍વચ્‍છ ભારત મિશન અર્બન ગુજરાત વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત પર્યાવરણ અને સ્‍વચ્‍છતા અભિયાન સપ્‍તાહ ઉજવણીના ભાગરૂપે પ્‍લાસ્‍ટીક બેગના ઉત્‍પાદકો, વિતરકો, રીટેલરો, વેપારીઓ અને દુકાનદારો સાથે પ્‍લાસ્‍ટીક મુક્‍ત શહેર વિષય પર સેમિનાર અંકલેશ્વર ટાઉનહોલ ખાતે સહકાર રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો.

સેમિનારનું દિપ પ્રગટાવી ઉદઘાટન કરતાં મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્‍યું હતું કે, વિશ્વ પર્યાવરણ દિવસ મી જૂનથી ૧૧ મી જૂન દરમિયાન સમગ્ર રાજયમાં પર્યાવરણ સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાઇ રહ્‍યું છે. તેમણે કહયું હતું કે, કોઇ પણ વ્‍યક્‍તિ જાહેરમાં કચરો ફેંકે અને પ્‍લાસ્‍ટીકના વધતા જતાં ઉપયોગ માટેની સમજણ અને જનજાગૃતિ અભિયાન અંતર્ગત જગાવવામાં આવી રહ્‍યું છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, પર્યાવરણની ચિંતા સમગ્ર વિશ્વમાં થઇ રહી છે ત્‍યારે ૫૦ માઇક્રોનથી નીચેનું પ્‍લાસ્‍ટીક જળ, જમીન અને પર્યાવરણ બગાડે છે. જેથી પ્‍લાસ્‍ટીકનો વિવેકપૂર્ણ ઉપયોગ ખુબ અનિવાર્ય હોવાનું જણાવી તેમણે કહયું કે પર્યાવરણની જવાબદારી કોઇ એક વ્‍યક્‍તિની નથી પણ આપણા સૌની સામૂહિક જવાબદારી છે ત્‍યારે અંકલેશ્વર શહેરને પ્‍લાસ્‍ટીક મુક્‍ત બનાવવા તેમણે ઉપસ્‍થિત સૌને અનુરોધ ર્ક્‍યો હતો.

પ્રારંભમાં સ્‍વાગતપ્રવચન નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મીનાબેન પટેલે કર્યું હતું. પ્રસંગે પર્યાવરણ જાગૃતિ સંદર્ભે ટૂંકી ફિલ્‍મ નિદર્શન રજૂ થઇ હતી જેને સૌએ નિહાળી હતી.

પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી કલ્‍પેશભાઇ, કારોબારી અધ્‍યક્ષ શ્રી સંદિપભાઇ, નગરપાલિકાના સભ્‍યો, મુખ્‍ય અધિકારીશ્રી પ્રશાંતભાઇ પરીખ, કર્મચારીઓ, વેપારીઓ અને નગરજનો ઉપસ્‍થિત રહ્‍યા હતા.

ફોટો ગેલેરી