૭/૬/૨૦૧૮ ના રોજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી.

Published: June 11 2018

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી : પ્રથમ પદવીદાન સમારોહ
રમત ગમત દ્વારા ઉત્તમ ખેલદીલીની ભાવના થકી સંસ્કારોનું સિંચન કરી
સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરીએ : રમત ગમત મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ
.. .. .. .. .. ..
સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાના નિર્માણમાં
જ્ઞાનનો ઉપયોગ કરી યુવાઓને સહભાગી થવા મંત્રીશ્રીનો અનુરોધ

રમત ગમત ક્ષેત્રે શારીરિક શિક્ષણની વિવિધ વિદ્યાશાખાના ૫૭૯ વિદ્યાર્થીઓને ડિગ્રી-ડિપ્લોમાની પદવી એનાયત
વર્ષ-૨૦૧૯માં ઇન્ટરનેશનલ સાયન્ટિફીક કોંગ્રેસનું આયોજન સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના યજમાનપદે થશે.
.. .. .. .. .. ..
મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો
.. .. .. .. .. ..
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું છે કે, રમતગમત દ્વારા ઉત્તમ ખેલદીલીની ભાવના થકી સંસ્કારોનું સિંચન કરીને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં યુવાનો સહભાગી બને તે આજના સમયની તાતી જરૂરિયાત છે.

આજે ગાંધીનગર ખાતે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતાં મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, સમાજમાં જેમ ઉત્સવનું મહત્વ છે એટલું જ મહત્વ રમત ગમતનું છે. એટલે જ દેશના વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ-૨૦૧૧માં આ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. તેમની દીર્ઘદ્રષ્ટિને પરિણામે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી આજે વટવૃક્ષ બની છે. પરંપરાગત રમતો દ્વારા બાળકોમાં ત્વરિત નિર્ણય શક્તિ, સ્મરણ શક્તિ, સમયનું મહત્વ, સંઘભાવના, ખેલદીલીની ભાવના જેવા ઉત્તમ ગુણોનો વિકાસ થાય છે ત્યારે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી દ્વારા આવી પરંપરાગત રમતોને પ્રાધાન્ય આપીને ઉચ્ચકોટીનું-વૈશ્વિક સ્તરનું શિક્ષણ સહિત માળખાગત સવલતો અને સહાય પૂરી પાડવામાં આવે છે તે સરાહનીય છે.

મંત્રી શ્રી પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ રમત ગમત ક્ષેત્રે પ્રાધાન્ય આપી યુવાઓ વધુને વધુ રમતોમાં ભાગ લઇ ગુજરાતનું ગૌરવ વધારે તે માટે અનેકવિધ પગલાં લીધા છે. ૨૧મી સદી એ જ્ઞાનની સદી છે ત્યારે જ્ઞાનના માધ્યમ દ્વારા યુવાનો ડિજિટલ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયા ક્ષેત્રે પણ યોગદાન આપી ગુજરાતનું નામ રોશન કરે તેવી અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, વર્ષ-૨૦૨૪ સુધીમાં રાજ્યના રમતવીરોને આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ આપવાનો રાજ્ય સરકારનો દ્રઢ નિર્ધાર છે. આ માટે વડોદરા જિલ્લાના ડેસર ખાતે ૧૦૪ એકરથી વધુ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટસ સંકુલ નિર્માણની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જેમાં યુવાઓને વિવિધ માળખાગત સવલતો, નિષ્ણાતો-તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાશે.


મંત્રીશ્રીએ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપતા કહ્યું કે, આપ સૌને વ્યવસાયિક ક્ષેત્રમાં ઝંપલાવવાની જે તક સાંપડી છે તે જ્ઞાનનો અને શક્તિનો સુભગ સમન્વય સાધી સ્વાવલંબી વ્યવસાયમાં સફળ થવા માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે યુનિવર્સિટીના અધિકારી-કર્મચારીઓને યુનિવર્સિટીને ફાસ્ટેટ ગ્રોઇંગ યુનિવર્સિટી તરીકે પ્રસ્થાપિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના ચેરમેન શ્રી વી.પી. પટેલે ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને દિક્ષાંત પ્રવચનમાં અભિનંદન આપી ઉચ્ચ કારકિર્દી ઘડવા શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં રમત ગમત પ્રવૃત્તિના યથા યોગ્ય નિર્માણ માટે કૌશલ્ય અને નિપુણતા ધરાવતા માનવ સમુદાયનું ઘડતર થાય તે માટે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. આજના સ્થાપના દિને વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરતાં તેમણે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. શીલ, શક્તિ અને જ્ઞાનના ત્રિવેણી સંગમ સમા વિદ્યાર્થીઓ વાસ્તવિક જીવનમાં પણ કંઇક નવું કરી ચેતનવંતા બની રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

શ્રી પટેલે ઉમેર્યું કે, જ્ઞાન-વિદ્યાનો ઉદ્દેશ મૂળ વિશાળ છે તે વ્યક્તિને સારા, સંસ્કારી અને પ્રબુદ્ધ વ્યક્તિ તરીકે સમાજમાં સ્થાન અપાવે છે ત્યારે આપે ડિગ્રી મેળવી એટલે ફરજ પુરી એવું નહીં પરંતુ સમાજના ઘડતરમાં આપની સેવાઓ હવે શરૂ થાય છે ત્યારે આપ યોગ્ય સહયોગ આપશો તેવી અપેક્ષા. જ્ઞાન એ માત્ર સ્વ અર્થોપાર્જનનું સાધન નથી પરંતુ આપના કૌશલ્ય થકી અનેક લોકોને રોજગારી મળે તેવા પ્રયાસો કરવા ડિગ્રી ધારકોને શ્રી પટેલે અનુરોધ કર્યો હતો.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી જતીન સોનીએ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન પ્રસંગે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં કહ્યું કે, યુનિવર્સિટી દ્વારા રમતગમત અને ખેલ સંસ્કૃતિના નિર્માણ માટે જે પ્રયાસો થયા છે તેના પરિણામે યુનિવર્સિટીને આજે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મળી છે. તેમણે વિદ્યાર્થીઓને કન્ટ્રીબ્યુટ, કો-ઓપરેટીવ અને કિએટીવના સિદ્ધાંત થકી આવનાર સમયમાં સમાજ માટે યોગ્ય સેવાઓ આપવા અપીલ કરી હતી.

શ્રી સોનીએ યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમો તેમજ નવા નવા આયામોની વિસ્તૃત વિગતો આપી હતી. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી દ્વારા મેળવેલ સિદ્ધિઓના પરિણામે આગામી ૨૦૧૯ના વર્ષે ઇન્ટરનેશનલ સાયન્ટિફીક કોંગ્રેસનું આયોજન કરવા માટે યજમાનપદ મળ્યું છે, તે માટે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ કોંગ્રેસમાં વિવિધ ૫૮ યુનિવર્સિટીના તજજ્ઞો/વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી જ્ઞાનનું આદાન પ્રદાન કરશે.

આ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ, રમતનું શિક્ષણ, રમત ગમત પ્રબંધન અને ટેકનિક, આરોગ્ય અને રમત ગમત, સહસિક રમતો જેવા વિવિધ અભ્યાસક્રમો માટે ૫૭૯ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ડિગ્રી-ડિપ્લોમાની પદવી એનાયત કરાઇ હતી. આ ઉપરાંત ૧૪ વિદ્યાર્થીઓને ઉચ્ચ પરિણામ મેળવવા માટે સુવર્ણચંદ્રક, ૧૪ વિદ્યાર્થીઓને પીએચ.ડી. અને ૭ વિદ્યાર્થીઓને એમ.ફીલની પદવી એનાયત કરાઇ હતી.

આ પ્રસંગે યુવક સેવા સાંસ્કૃતિક વિભાગના કમિશનર શ્રી સતીષ પટેલ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની ગવર્નીંગ બોડીના સભ્ય સર્વે શ્રી અર્જુનસિંહ અને ડૉ.રૂસ્તમ સદરી, વિવિધ યુનિવર્સિટીના ઉપકુલપતીશ્રીઓ, સંચાલક મંડળના સભ્યો, વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વિષય નિષ્ણાતો, તજજ્ઞો, યુનિવર્સિટીના અધિકારીઓ-કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સમાપન પ્રસંગે આભારવિધિ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી ડી.ડી.કાપડીયાએ કરી હતી.

ફોટો ગેલેરી