તાપી જિલ્લાના શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનહોલ, વ્યારા ખાતે શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલયની ૧૫૦ વર્ષની ઉજવણી નિમિતે "સાર્ધ શતાબ્દી મહોત્સવ" કાર્યક્રમમાં હાજરી આપી હતી.

Published: June 11 2018

તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલી શિવાજી લાયબ્રેરીને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ, વ્યારા ખાતે રાજયના સહકાર, રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા વાહન વ્યવહાર રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.


કાર્યક્રમમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા મંત્રી પટેલે લાયબ્રેરીનું મહત્વ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, વ્યક્તિને માનવ અને માનવને મહામાનવ બનાવવામાં લાયબ્રેરીનો સૌથી મોટો ફાળો છે. આધુનિક યુગમાં મોબાઇલ અને ઇન્ટરનેટના અતિક્રમણ વચ્ચે પણ વાચકોનો રસ જાળવી રાખવા બદલ લાયબ્રેરીના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમણે ઉપસ્થિત સૌને જન્મદિન નિમિત્તે એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરી પર્યાવરણના જતનમાં સહભાગી થવા અપીલ કરી હતી. લાયબ્રેરીના ઇતિહાસનો ચિતાર રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે, મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમના પુત્રના જન્મદિન પ્રસંગે આ લાયબ્રેરી શરૂ કરી હતી એમ જણાવી તેમણે રાજય સરકારના ખેલમહાકુંભ સહિતના કાર્યક્રમો અંગે જાણકારી આપી હતી. રાજય સરકાર દ્વારા લાયબ્રેરીઓને આપવામાં આવતા અનુદાન અંગે પણ જાણકારી આપી હતી.


કાર્યક્રમ દરમિયાન ફિલ્મ અને રંગમંચના જાણિતા કલાકાર મનોજભાઇ જોશીએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરી ઉપસ્થિતોને જીવનમાં પુસ્તકોની પરબ સમી લાયબ્રેરીનું મહત્વ સમજાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મંત્રી પટેલ અને અન્ય મહાનુભાવોએ રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્ર આપીને નવાજયા હતા.
કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર બી.બી.વહોનિયા, સેનેટ મેમ્બર જયરામભાઇ ગામીત, રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા, સીનીયર કોચ ચેતનભાઇ પટેલ, સુમુલના ડિરેકટર પ્રવિણભાઇ ગામીત, મહેન્દ્રભાઇ શાહ, અજયભાઇ શાહ, નગરજનો અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ફોટો ગેલેરી