ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લખીગામ, દહેજ અને કડોદરા ગામોએ શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો હતો.

Published: June 15 2018

શાળા પ્રવેશોત્‍સવના બીજે દિવસે  વાગરા તાલુકામાં મંત્રીશ્રીએ ધો.૧ માં ૧૫૭ બાળકોનું અને ધો.૯ માં ૨૫૮ વિદ્યાર્થીઓનું નામાંકન કરાવ્‍યું
    --------  
શાળા પ્રવેશોત્‍સવથી શિક્ષણની કાયાપલટ થઇ છે.
-: મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ
--------
ભરૂચઃ(શુક્રવાર):- સહકાર રાજ્‍યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે આજે પ્રવેશોત્‍સવના બીજા દિવસે વાગરા તાલુકાના લખીગામ, દહેજ અને કડોદરા ગામોની પ્રાથમિક - માધ્‍યમિક શાળાઓના બાળકોનું નામાંકન કરાવ્‍યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ સરકારી માધ્‍યમિક શાળા - લખીગામ ખાતેના કાર્યક્રમમાં આંગણવાડીમાં ૧૪ કુમાર ૧૦ કન્‍યા મળી કુલ-૨૪, લખીગામ પ્રાથમિક શાળાના ધો.૧ માં ૩૦ કુમાર ૨૯ કન્‍યા મળી કુલ-૫૯ અને લખીગામ માધ્‍યમિક શાળાના ધો.૯ ના ૨૪ કુમાર અને ૨૨ કન્‍યાઓ મળી કુલ-૪૬ વિદ્યાર્થીઓનું નામાંકન કરાવ્‍યું હતું. શ્રી પી.જે.છેડા હાઇસ્‍કુલ - દહેજ ખાતેના કાર્યક્રમમાં આંગણવાડીમાં ૨૨ કુમાર ૧૮ કન્‍યા મળી કુલ-૪૦ ભૂલકાઓ, ધો.૧ માં પ્રાથમિક શાળા કુમારમાં ૨૯ અને કન્‍યા પ્રાથમિક શાળામાં ૩૭ અને પ્રાથમિક શાળા વાડીયામાં ધો.૧ માં ૨ કુમાર, ૧ કન્‍યા મળી કુલ ૩, છેડા હાઇસ્‍કુલમાં ધો.૯ માં ૮૬ કુમાર ૬૯ કન્‍યા મળી કુલઅ૧૫૫ બાળકોનું નામાંકન કરાવ્‍યું હતું. તે જ રીતે શારદા વિદ્યામંદિર કડોદરા ખાતેના કાર્યક્રમમાં ધો.૧ માં પ્રાથમિક શાળા કડોદરામાં ૧૧ કુમાર અને ૧૮ કન્‍યા મળી કુલ-૨૯ બાળકોનું નામાંકન કરાયું હતું. આંગણવાડીમાં ૨૭ ભુલકાઓનું અને કડોદરા હાઇસ્‍કુલના ધો.૯માં ૩૦ કુમાર અને ૨૭ કન્‍યા મળી કુલ-૫૭ બાળકોનું નામાંકન કરાયું હતું. 

વાગરા તાલુકાના લખીગામ, દહેજ અને કડોદરા ખાતેના કાર્યક્રમમાં અધ્‍યક્ષસ્‍થાનેથી સહકાર રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્‍યું હતું કે, રાજ્‍યના તત્‍કાલિન મુખ્‍યમંત્રી અને હાલનાં વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ-૨૦૦૩ થી કન્‍યા કેળવણી, મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણનો ધ્‍યેય સિધ્‍ધ કરવા, વાલીઓમાં શિક્ષણ પ્રત્‍યે જાગૃતિ કેળવાય તેવા શુભ હેતુથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્‍સવથી સુંદર પરિણામો પ્રાપ્‍ત થયેલા છે જેની વિગતે માહિતી આપી શાળા પ્રવેશોત્‍સવથી શિક્ષણની કાયાપલટ થઇ છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, દરેક બાળક ભણી - ગણીને રાજ્‍ય અને રાષ્‍ટ્રનું નામ રોશન કરે તે પ્રકારના વાતાવરણનું નિર્માણ કરવાની જવાબદારી આપણાં સૌની છે. તેમણે ધો.૮ પછી અન્‍ય કારણોસર પ્રવેશ ન લઇ શકતાં વિદ્યાર્થીઓનું નામાંકન થાય તે માટે આ પ્રવેશોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે ત્‍યારે આપણું બાળક અધ્‍ધવચ્‍ચેથી અભ્‍યાસ છોડી ન દે તેવા સંકલ્‍પ કરવા વાલી તથા શિક્ષકોને અનુરોધ ર્ક્‍યો હતો. તેમણે રાજ્‍ય સરકાર ધ્‍વારા શાળાઓમાં હાથ ધરાયેલી વિવિધ માળખાકીય સુવિધાઓની પણ વિગતે માહિતી આપી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રી - મહાનુભાવોના હસ્‍તે ધો.૧ અને ૯ માં પ્રવેશ પામતા બાળકોને શિક્ષણ કીટ પુસ્‍તકો, દફતર, આપવામાં આવ્‍યા હતા. આંગણવાડીના બાળકોને રમકડાની કીટ અપાઇ હતી. આ ઉપરાંત દિકરીઓને સરસ્‍વતિ સાધના યોજના અંતર્ગત સાયકલ વિતરણ, ટ્રાન્‍સપોર્ટેશન વાહન અને શાળાઓના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. શાળા - સમાજને દાન આપનારા વિવિધ કંપનીઓ જેવી કે, અદાણી, બીરલાકોપર, યુપીએલ તથા અન્‍ય દાતાઓનું મંત્રીશ્રીના વરદહસ્‍તે શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

વિવિધ શાળાઓમાં થયેલા કાર્યક્રમ પ્રસંગે શાળાના બાળકોએ પ્રાર્થના - સ્‍વાગત ગીત, વિવિધ વિષયો પર વક્‍તવ્‍ય, યોગ નિર્દશન જેવા અનેકવિધ સાંસ્‍કૃત્તિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. મંત્રીશ્રી ધ્‍વારા વિવિધ શાળાઓને સ્‍મૃતિરૂપે ઘડીયાળ અને બાળકોને ચોકલેટ તથા રમકડાની કીટ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે રાષ્‍ટ્રગીતનું ગાન થયું હતું. વિવિધ કાર્યક્રમો પ્રસંગે જિલ્લા આગેવાન શ્રી મારૂતિસિંહ અટોદરીયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ફતેસિંહ ગોહિલ, વાગરા તાલુકાના આગેવાનો શ્રી સુરેશભાઇ પરમાર, અશોકભાઇ તથા અન્‍ય આગેવાન પદાધિકારીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્‍યો, ગ્રામ વિકાસ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ડીઇઓ કચેરીના એઇઆઇ શ્રી પ્રદિપભાઇ પટેલ, વિવિધ શાળાના આચાર્યશ્રીઓ, સંચાલકશ્રીઓ, શિક્ષકો, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, એસ.એમ.સી.ના સભ્‍યો, ગામ આગેવાનો, ગ્રામજનો અને પ્રવેશ પાત્ર બાળકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

ફોટો ગેલેરી