અંકલેશ્વર ખાતે આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા, કુમાર બ્રાંચ-૪, જીનવાલા હાઇસ્‍કુલ અને ટી.એમ.શાહ હાઇસ્‍કુલ ખાતે શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો.

Published: June 22 2018

તા.૨૨ થી ૨૩ જૂન-૨૦૧૮ દરમ્‍યાન સમગ્ર રાજયમાં યોજાઇ રહેલા શહેરી વિસ્‍તાર માટેના શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવના આજના પ્રથમ દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ધ્‍વારા અંકલેશ્વર ખાતે આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા, કુમાર બ્રાંચ-૪, જીનવાલા હાઇસ્‍કુલ અને ટી.એમ.શાહ હાઇસ્‍કુલ ખાતે સહકાર વિભાગના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે ગાંધીનગરના ટેકનીકલ જોઇન્‍ટ ડાયરેક્‍ટર શ્રી બી.જે.પંચાલ, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રી દક્ષાબેન શાહ, ઉપપ્રમુખશ્રી નિલેશભાઇ પટેલ, કારોબારી અધ્‍યક્ષશ્રી સંદિપભાઇ બી. પટેલ ઉપસ્‍થિત રહયા હતા.

અંકલેશ્વર ખાતે આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળાના ધોરણ-૧ નાં ૨૫ કુમાર અને ૪૭ કન્‍યા મળી કુલ૭૨, કુમાર બ્રાંચ-૪ માં ધોરણ-૧ માં કુમાર-૪ કન્‍યા-૪ મળી કુલ-૮, જીનવાલા કમ્‍પાઉન્‍ડમાં ધોરણ-૯ માં ૧૭૦ કુમાર, ટી.એમ.શાહ હાઇસ્‍કુલમાં ધોરણ-૯ માં ૧૮૯-કુમાર ૧૧૩-કન્‍યા મળી કુલ-૩૦૨ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્‍યો હતો. તેમજ આંગણવાડીના ૩૨ કુમાર ૩૮ કન્‍યા મળી કુલ-૭૦ બાળકોને કુમકુમ તીલક કરી બાળકોનું નામાંકન કરાયું હતું. ૧૧ વિધાલક્ષ્મી બોન્‍ડ એનાયત કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત મંત્રીશ્રી - મહાનુભાવોના હસ્‍તે ધો.૧ અને ૯ માં પ્રવેશ પામતા બાળકોને શિક્ષણ કીટ પુસ્‍તકો, દફતર, આપવામાં આવ્‍યા હતા. આંગણવાડીના બાળકોને રમકડાની કીટ અપાઇ હતી. દિકરીઓને સરસ્‍વતી સાધના યોજના અંતર્ગત સાયકલ વિતરણ, ટ્રાન્‍સપોર્ટેશન વાહનને લીલી ઝંડી ફરકાવીને પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.

આ પ્રસંગે સહકાર વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્‍યું હતું કે શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવને કારણે શિક્ષણ પ્રત્‍યે લોકામાં જાગૃતિ વધી છે. ડ્રોપ આઉટ રેશિયો ધટયો છે. તેમણે શિક્ષણનો વ્‍યાપ વધે તે માટે રાજ્‍ય સરકાર સતત પ્રયત્‍નશીલ હોવાનું જણાવી શાળા પ્રવેશોત્‍સવ - કન્‍યા કેળવણી મહોત્‍સવ - ગુણોત્‍સવ જેવા કાર્યક્રમ થકી રાજ્‍યમાં શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિની માહિતી આપી હતી. ગરીબી હટાવવા માટેનું એકમાત્ર હથિયાર શિક્ષણ છે તેમ જણાવી કન્‍યા કેળવણી પર ખાસ ભાર મૂકતા મંત્રીશ્રીએ શિક્ષણથી કોઇ પણ બાળક વંચિત ન રહે તે જોવાની શીખ ઉપસ્‍થિત મા-બાપ તથા વાલીગણને આપી હતી. તેમણે ગુજરાતની આવતીકાલ તેજસ્‍વી બને તે માટે રાજ્‍ય સરકાર પ્રયત્‍નશીલ હોવાનું જણાવી શિક્ષકોએ પણ બાળકોની શિક્ષણની ગુણવત્તા ઉત્તમ બને તે દિશામાં માર્ગદર્શન આપવા અનુરોધ ર્ક્‍યો હતો. સ્‍વચ્‍છતા બાબતે પણ સૌએ કટિબધ્‍ધ બનવાની હિમાયત કરી હતી.

બંને શાળાઓ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્‍યક્ષશ્રી કિંજલ ચૌહાણ, ઉપાધ્‍યક્ષા શ્રીમતી અર્ચનાબહેન શર્મા, શાસકપક્ષના નેતાશ્રી જનકભાઇ શાહ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્‍યો, અંકલેશ્વર ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસીએશનના હોદેદારો, દિલેર દાતાઓ, શ્રેષ્‍ઠ શિક્ષકશ્રી ગજેન્‍દ્રભાઇ પટેલ, એસ.એમ.સી.ના સભ્‍યો, વિવિધ શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્‍યા હતા. મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ ધ્‍વારા બન્ને શાળાઓને ઘડીયાળની ભેટ આપી તથા બાળકોને ચોકલેટોનું વિતરણ ર્ક્‍યું હતું.

ફોટો ગેલેરી