દક્ષિણ ગુજરાત વીજ કંપની ધ્‍વારા ઝઘડીયા મુકામે ‘‘માફી મેળો'' યોજાયો હતો.

Published: June 30 2018

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. વર્તુળ કચેરી - ભરૂચ અંતર્ગત અંકલેશ્વર ગ્રામ્‍ય અને ઔદ્યોગિક વિભાગીય કચેરી હેઠળના વિવિધ પેટા વિભાગીય કચેરીઓના કાયમી ધોરણે રદ થયેલ વીજ ગ્રાહકો/બીન અધિકૃત ગ્રાહકોના બાકી પડતાં લેણાંની માંડવાર અને વસુલાત માટેની રાજ્‍ય સરકારશ્રી ધ્‍વારા જાહેર કરવામાં આવેલ માફી યોજના ૨૦૧૭ અન્‍વયે માફી મેળો શ્રી દશા શ્રીમાળી વણીક પંચની વાડી - ઝઘડીયા ખાતે સહકાર રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારી ખેડા સુગર ફેક્‍ટરશ્રીના વાઇસ ચેરમેન શ્રી અજીતસિંહ પરમાર, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મુખ્‍ય ઇજનેર શ્રી આર.જે.દેસાઇ, જનરલ મેનેજરશ્રી એન.કે.દવે, અધિક્ષક ઇજનેરશ્રી આર.જે.પરમાર, પ્રાંત અધિકારીશ્રી રમેશભાઇ ભગોરા ઉપસ્‍થિત રહયા હતા.

કાર્યક્રમનું દિપ પ્રગટાવી અધ્‍યક્ષસ્‍થાનેથી સહકાર રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્‍યું હતું કે, હાલના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જે તે વખતે રાજ્‍યના મુખ્‍યમંત્રીના કાર્યકાળ દરમ્‍યાન જ્‍યોતિગ્રામ યોજના અમલમાં મુકેલ જેના થકી આજેય છેવાડાના ગામડામાં વસતા લોકો વ્‍યવસાય કરી શકે છે. જ્‍યોતિ ગ્રામ યોજનાએ સમગ્ર દેશમાં ગુજરાતમાં જ સૌથી પહેલાં અમલ થયેલો. તે જ રીતે રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ છેવાડાના ગરીબ લોકોની ચિંતા કરીને તેમને મદદરૂપ કઇ રીતે થઇ શકીએ તે માટે રાજ્‍યના તમામ પ્રજાજનોને વીજ સુવિધા પ્રાપ્‍ત થાય તેમજ દરેક વ્‍યક્‍તિને વીજ જોડાણ પુરૂં પાડવાના રાહતના પગલાં તરીકે માફી યોજના ૨૦૧૭ અમલમાં લાવેલ છે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. ની વર્તુળ કચેરી ભરૂચની કુલ ૨૭ જેટલી પેટા વિભાગીય કચેરીઓના અત્‍યાર સુધી ૩૬૭૯૬ ગ્રાહકો/બિન ગ્રાહકો રાજ્‍ય સરકારશ્રી ધ્‍વારા જાહેર કરવામાં આવેલ માફી યોજના ૨૦૧૭ હેઠળ આવરી લેવામાં આવેલ છે તેમ જણાવી દક્ષિણ ગુજરાત વીજ કંપનીના છેવાડાના નાનામાં નાના ગ્રાહકને માફી યોજનાનો લાભ મળે તે માટે માફી યોજનાની વિગતે માહિતી આપી હતી. તેમણે રાજ્‍ય સરકારની સૂર્યશક્‍તિ કિસાન યોજનાની વિગતે માહિતી તેનો મહત્તમ લાભ લેવાનો ઉપસ્‍થિત સૌને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ચીફ એન્‍જીનીયર શ્રી આર.જે.દેસાઇ અને જનરલ મેનેજરશ્રી એન.કે.દવેએ રાજ્‍ય સરકાર ધ્‍વારા જાહેર કરવામાં આવેલ માફી યોજના ૨૦૧૭ ની તથા સૂર્યશક્‍તિ કિસાન યોજનાની વિગતે માહિતી આપી હતી. આ યોજનાનો લાભ મેળવવા ઇચ્‍છતા ગ્રાહકે વીજ વિતરણ કંપનીની સબંધિત સબડીવીઝન/ડીવીઝન કચેરીનો સંપર્ક કરવા જણાવાયું હતું. પ્રારંભમાં ઝઘડીયા શાળાના બાળકોએ ગણેશ વંદના(પ્રાથર્ના) તથા સ્‍વાગત ગીત રજૂ કર્યા હતા.

આ પ્રસંગે વર્તૂળ કચેરી ભરૂચના અધિક્ષક ઇજનેરશ્રી આર.જે.પરમાર, કાર્યપાલક ઇજનેરશ્રી શૈલેષ ચૌહાણ, એમ.ડી.પરમાર, ઝઘડીયાના સરપંચશ્રી રસિલાબેન વસાવા, ડેપ્‍યુટી સરપંચશ્રી વિજયસિંહ પરમાર, ઝઘડીયા-અંકલેશ્વરના આગેવાન પદાધિકારીઓ, વીજ ગ્રાહકો, ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્‍યા હતા.

ઉલ્લેખનીય છે કે, આજરોજ ઝઘડીયા મુકામે યોજાયેલાં માફી મેળામાં બપોરે ૧:૩૦ સુધીમાં ૪૮૫ ગ્રાહકોએ માફી યોજનાનો લાભ લીધો હતો અને રૂા.૧૧.૩૨ લાખની રીકવરી કરવામાં આવેલ અને રૂા.૨૩.૩૭ લાખની વ્‍યાજ/મુદ્દલની રકમ માંડવાળ કરવામાં આવેલ છે. ગ્રાહકોની યોજનાનો લાભ આપવાની કામગીરી સતત પ્રયાસરત છે.

ફોટો ગેલેરી