અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે રોગી કલ્‍યાણ સમિતિની રચના કરવામાં આવી હતી.

Published: July 19 2018

અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે રાજ્‍યના સહકાર મંત્રીશ્રીની અધ્‍યક્ષતામાં રોગી કલ્‍યાણ સમિતિની રચના કરવામાં આવી હતી. આ તબક્કે રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારની વિવિધ આરોગ્‍યલક્ષી સેવા અને યોજનાનો લાભ પ્રજાને મળે તે જરૂરી તેવો મત રાજ્‍યના સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે વ્‍યક્‍ત કર્યો હતો તેમજ ગડખોલ પી.એચ.સી. સેન્‍ટર ઝડપભેર પૂર્ણ કરવા તાકીદ કરી આરોગ્‍યલક્ષી ગ્રાન્‍ટનું યોગ્‍ય રીતે આયોજન કરવા સૂચના આપી હતી.

અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે આવેલ એસ.ડી.એમ કચેરી ખાતે રાજ્‍યના સહકાર મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલની અધ્‍યક્ષતામાં રાજ્‍ય સરકારના નવતર અભિગમ મુજબ રોગી કલ્‍યાણ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં વહીવટી તેમજ આરોગ્‍ય અધિકારી અને સામાજિક કાર્યકર તેમજ તાલુકા પંચાયતના સભ્‍યોનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો.

આ બેઠકમાં વિવિધ આરોગ્‍ય લક્ષી મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ ગડખોલ પી.એચ.સી સેન્‍ટરની કામગીરી યોગ્‍ય ગુણવત્તા સાથે ઝડપભેર પૂર્ણ કરવા મંત્રી ઈશ્વરસિંહ પટેલે ઉપસ્‍થિતિ સમિતિ સભ્‍યોને તાકીદ કરી હતી તેમજ સરકારની વિવિધ આરોગ્‍યલક્ષી ગ્રાન્‍ટનું યોગ્‍ય દિશામાં આયોજન સાથે પ્રજાલક્ષી કામો વાપરવા સૂચન કરવામાં આવ્‍યું હતું. રાજ્‍ય સરકાર પ્રજાના આરોગ્‍ય સુખાકારી માટે વિવિધ યોજના લાગુ પડી છે. જે યોજનાઓ પ્રજાસુધી પહોંચે તેમજ પ્રજા સરકારની યોજનાનો લાભ લે તેમજ જે તે વિસ્‍તારના આરોગ્‍યલક્ષી વિવિધ પ્રશ્નો અંગે સરળ સમાધાન મળી રહે તે હેતુથી તાલુકા, જિલ્લા લેવલ પર રોગી કલ્‍યાણ સમિતિ બનાવવામાં આવી રહી છે. રાજ્‍ય સરકારનો અભિગમ છે કે રાજ્‍યનો દરેક નાગરિક આરોગ્‍ય મુક્‍ત રહે અને તે તંદુરસ્‍ત બને તેવા આશ્રયના ભાગરૂપે આ કામગીરી કરાવામાં આવી રહી છે.

અંકલેશ્વર ખાતે બનેલ ૧૨ સભ્‍યોની કમિટીમાં અંકલેશ્વરના એસ.ડી.એમ શ્રી રમેશ ભગોરાને અધ્‍યક્ષ તરીકે તેમજ ઉપાધ્‍યક્ષ તરીકે ડૉ. મનોજ શર્માની નિમણુંક કરવામાં આવી હતી. તો સભ્‍ય તરીકે અંકલેશ્વરના ધારાસભ્‍યશ્રી ઈશ્વરસિંહ પટેલ, સિનિયર મેડિકલ ઓફિસર શ્રી ડૉ. સીમા શર્મા, અંકલેશ્વરના મામલતદાર શ્રી ભરતસિંહ મહીડા, બ્‍લોક હેલ્‍થ ઓફિસરશ્રી ડૉ. દિનેશ વસાવા, પી.આઈ.યુ પ્રોજેક્‍ટ ભરૂચના નાયબ ઈજનેર શ્રી રાકેશ મિઠાઈવાલા, ગડખોલના સરપંચ શ્રી રોહન પટેલ, તાલુકા પંચાયત સભ્‍યશ્રી સંગીતા પટેલ, આઈ.એમ.એ શ્રી ડૉ. નિલેશ દેસાઈ, સામાજિક કાર્યકર શ્રી શૈલેષ પટેલ, ભરકોદ્રા અને માંડવાના અરવિંદભાઈ વસાવાની નિમણૂંક કરી તેમની હાજરીમાં બેઠક યોજવામાં આવી હતી.

ફોટો ગેલેરી