ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે કૃષિ ઉપજની ખરીદી કરવામાં આવે છે

Published: August 05 2019

ગુજરાત સરકાર દ્વારા રાજયના ખેડૂતોના હિતમાં જૈવિક ખેતી માટે નીતિ બનાવવામાં આવી છે. આ નીતિ અંતર્ગત જૈવિક ખેતી કરતા ખેડૂતોને તેમની ખેતપેદાશોના વધુ સારા ભાવો મળશે. ગુજરાતમાં ૪૯૨૯૮ હેકટર જમીનમાં સેન્દ્રિય ખેતી કરવામાં આવે છે, તો સેન્દ્રિય ખેતી કરી વધુ સારી આવક મેળવીએ એમ રાજયના સહકાર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિના રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.

તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા ખેડૂત તાલીમ કેન્દ્રમાં યોજાયેલા કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા મંત્રી પટેલે કેન્દ્ર અને રાજય સરકારની અનેકવિધ ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી હતી. કેન્દ્ર સરકારે કિસાન સમ્માન નિધિનો લાભ તમામ ખેડૂતોને મળે એ માટે સરાહનીય નિર્ણય કર્યો છે એમ જણાવી તેમણે રાજય સરકાર દ્વારા પણ ખેડૂતો આધુનિક ટેકનોલોજી દ્વારા ખેતી કરે એ માટે અત્યાદ્યુનિક ખેત ઓજારોની ખરીદી માટે સબસીડી આપવામાં છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત રાજયનો ખેડૂત અકસ્માત મૃત્યુ પામે તો સરકાર મૃતક ખેડૂતના પરિવારને રૂપિયા બે લાખની સહાય કરે છે એમ જણાવી તેમણે કૃષિ મહોત્સવના માધ્યમથી આજે છેવાડાના ખેડૂતો પણ આધુનિક ઢબે ખેતી કરી સારૂં વળતર મેળવતા થયા છે એમ ઉમેરી તેમણે રાજયની કૃષિ આવક ૧.૩૫ લાખ કરોડને આંબી રહી છે એમ ઉમેર્યું હતું.

 

વધુમાં તેમણે કેન્દ્ર તથા રાજય સરકાર ખેતી અને ખુડૂત સમૃદ્ધ થાય એ માટે સતત પ્રયાસરત છે એમ જણાવી તેમણે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તેમજ અન્ય યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત તેમણે પશુપાલન કરતા પશુપાલકોને સુમુલ દ્વારા પશુઓની ખરીદી કરવા માટે વગર વ્યાજની લોન આપવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.

તાપી કલેકટર આર.એસ.નિનામાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા યોજવામાં આવતા કૃષિ મહોત્સવને જિલ્લાના ખેડૂતોએ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. તાપી જિલ્લાના ખેડૂતોનો પરિશ્રમ અને આધુનિક ટેકનોલોજીના ખેતીમાં ઉપયોગથી ખેડૂતો વધુ ઉપજ મેળવી સારૂ વળતર મેળવી રહ્યા છે એમ જણાવી તેમણે કૃષિ મહોત્સવ દરમિયાન તજજ્ઞો દ્વારા આપવામાં આવનાર માર્ગદર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ ધાટ ગામના ગણેશભાઇને વેલાવાળા શાકભાજીની ખેતીમાં સિદ્ધિ બદલ રૂા. ૨૫,૦૦૦નો ચેક અને ટ્રોફી, સરકુવાના ચીમનભાઇને વેલાવાળા શાકભાજીની ખેતીમાં સિદ્ધિ બદલ રૂા. ૧૦,૦૦૦નો ચેક અને ટ્રોફી તથા બેડકુવા નજીકના શશિકાંતભાઇને પશુપાલન ક્ષેત્રે સિદ્ધિ બદલ રૂા. ૧૦,૦૦૦નો ચેક અને ટ્રોફી આપીને નવાજવામાં આવ્યા હતા. જયારે વ્યારા તાલુકાના અન્ય પ્રગતિશીલ ખેડૂતોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

નવસારી કૃષિ યુનિવર્સીટીના વિવિધ વિભાગના તજજ્ઞો તથા વ્યારા તાલુકાના પ્રગતિ શીલ ખેડૂતો દ્વારા ઉપસ્થિત ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ મહોત્સવ કાર્યક્રમના સ્થળે ખેડૂતોના લાભાર્થે પ્રદર્શનીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીતે કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમની આાભારવિધિ નાયબ ખેતી નિયામક પી.આર.ચૌધરીએ આટોપી હતી.

કાર્યક્રમમાં વ્યારા એ.પી.એમ.સીના ચેરમેન પ્રવિણભાઇ, વ્યારા પ્રાંત તુષારભાઇ જાની, નાયબ ખેતી નિયામક, કૃષિભવન ગાંધીનગર, એન.સી.પટેલ, અગ્રણી જયરામભાઇ ગામીત, બિપીનભાઇ ચૌધરી, મહેન્દ્રભાઇ, ખેતીવાડી, બાગાયત અને આત્મા પ્રોજેકટના અધિકારી/કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

ફોટો ગેલેરી